જી.એસ.ટી. તંત્ર ધડાધડ એક તરફી આકારણી કરવા લાગ્યું: વેપારી વર્ગમાં ભારે રોષ

જી.એસ.ટી. તંત્ર ધડાધડ એક તરફી આકારણી કરવા લાગ્યું: વેપારી વર્ગમાં ભારે રોષ
Local | Rajkot | 31 August, 2024 | 04:11 PM
જી.એસ.ટી.નાં વર્ષ 2019-20નાં કેસોમાં સ્થાનિક સત્તાવાળાઓએ વરસાદી આફતમાં કોઇ રાહત તો ન આપી પરંતુ, એક તરફી આકારણી કરવા લાગતા રોષ: વ્યાજ-પેનલ્ટી માફની જાહેરાતો માત્ર કાગળ ઉપર
રાજકોટ, તા.31
રાજ્ય જીએસટી વિભાગ વારંવાર નવા ફતવાઓ અને મનઘડત નિર્ણયો કરી હજારો વેપારીઓને અનેકવાર મુશ્કેલીમાં મુકી દે છે. જ્યારે વેપારીઓમાં તંત્ર સામે ભારે હોબાળો જાગે છે ત્યારે ફરી સત્તાવાળાઓ થોડો સમય મૌન ધારણ કરી લે છે અને જેવો હોબાળો શાંત પડે એટલે તુરંત જ ફરી જીએસટીનાં સત્તાવાળાઓ મનઘડત અને એક તરફી કાર્યવાહી કરવા લાગે છે.
આવો જ ઘાટ ફરી એકવાર રાજકોટ જીએસટી વિભાગનાં હજારો વેપારીઓ સાથે ઘડાયો છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સર્વત્ર ભયંકર વરસાદે જબરી તારાજી સર્જી છે અને વેપારી તથા ખેડૂતોને મોટું નુકસાન ગયું છે. આમ છતાં રાજકોટ જીએસટી વિભાગે વેપારીઓને રાહત આપવાનાં બદલે આજે આકાણી પૂરી કરવાની છેલ્લી તારીખે વર્ષ 2019-20નાં જીએસટી કેસોમાં ધડાધડ એક તરફી આકારણી કરવા માંડતા વિશાળ વેપારી વર્ગમાં ભારે નારાજગી સાથે દેકારાની લાગણી છે.
વકિલ અને વેપારી સંગઠનોના આગેવાનોનાં જણાવ્યા મુજબ વર્ષ 2019-20માં સ્થાનિક જીએસટી તંત્રએ એક તરફી આકારણી કરી છે અને આફતરૂપ વરસાદમાં પણ કોઇ રાહત વેપારીઓને અપાઇ નથી.
ઉલ્લેખનીય છે કે આકારણી પૂરી કરવાની આજે 31-8 તારીખ છેલ્લી છે ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલી જાહેરાત મુજબ જે વેપારી મોટાપાયે ટેક્સભરી દે તેઓને વ્યાજ-પેનલ્ટી માફ કરાશે. પરંતુ આ જાહેરાત માત્ર કાગળ ઉપર રહી ગઇ છે.વેપારી સંગઠનો અને ટેક્સ સલાહકારો જણાવે છે કે કોરાના વખતે પત્રકો મોડા ભર્યા હોય તેવા વેપારીઓને પત્રકો મોડા ભર્યાનો દંડ ફટકારાય છે. પરંતુ તંત્ર વાહકો વેરાશાખા આપતા નથી.