આવકવેરા કાયદો સરળ – તર્કસંગત કરાશે

6 દાયકા જુના કાયદામાં મોટા ફેરફાર થવાનો નિર્દેશ
આવકવેરા કાયદો સરળ – તર્કસંગત કરાશે
India | 31 August, 2024 | 03:36 PM
90થી વધુ જોગવાઇઓ હાલ સુસંગત નથી: પેનલ દ્વારા બેઠકોનો દોર શરૂ: છુટ્ટછાટોને લગતી જોગવાઇઓ પણ બદલશે
નવી દિલ્હી,તા.31
દેશમાં ગૂંચવણ-ઝંઝટભર્યા કાયદાઓ સામે વખતો વખત સર્જાતા ઉહાપોહ વચ્ચે હવે કેન્દ્ર સરકારે કાયદા જુના આવકવેરા કાયદાને સરળ બનાવવા નિર્ણય લીધો છે. આ માટે નાણાં મંત્રાલય દ્વારા ઇન્કમટેક્સ ચીફ કમિશ્નર વી.કે. ગુપ્તાના વડપણ હેઠળ પેનલની રચના કરવામાં આવી છે. જેના ભલામણ રીપોર્ટના આધારે ફેરફારો કરવામાં આવશે.
નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે પેનલ દ્વારા આ મામલે પ્રાથમિક ચર્ચા શરુ કરી દેવામાં આવી છે. ટેક્સ છુટ્ટછાટો તર્કસંગત બનાવવા, ટેક્સ ગણતરીના ધોરણોમાં વૈશ્વિક માપદંડો અપનાવવા તથા અપીલ સિસ્ટમમાં સરળીકરણ જેવા ત્રણ પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
પેનલની બેઠકો તથા વાતચીત વિશેનું સુપરવિઝન કેન્દ્રીત સીધા કરવેરા બોર્ડના ચેરમેન રવિ અગ્રવાલને સોંપવામાં આવ્યું છે. પેનલના સભ્યો વચ્ચેની ચર્ચામાં એવું તારણ નીકળ્યું હતું કે આવકવેરાના 1961ના કાયદામાં 90થી વધુ કલમ-જોગવાઇઓ વર્તમાન યુગમાં સુસંગત રહી નથી. આ જોગવાઇઓ રદ કરવા માટેની ભલામણ થઇ શકે છે.
આ સિવાય પણ કાયદાને વધુ તર્કસંગત અને સરળ બનાવવા માટે શ્રેણીબધ્ધ સુચનો-ભલામણો કરે તેવા સંકેત છે. જો કે, પેનલની વાતચીત તથા વિચારણા હેઠળ મુદ્ાઓ વિશે ભારે ગુપ્તતા રાખવામાં આવી રહી છે.