સુપ્રિમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલીએ નિવૃતિ પુર્વે ‘ગીફટ’ માંગી : મહિલા જજને નિયુકત કરજો

સુપ્રિમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલીએ નિવૃતિ પુર્વે ‘ગીફટ’ માંગી : મહિલા જજને નિયુકત કરજો
India | 31 August, 2024 | 03:14 PM
નવી દિલ્હી.તા.31
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હિમા કોહલીનો છેલ્લો કાર્યકારી દિવસ હતો. તે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. તેમણે શુક્રવારે વિદાય સમારંભમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સાથે ડાયસ શેર કર્યો હતો.
આ દરમિયાન તે ખૂબ જ ભાવુક પણ થઈ ગયાં હતાં . વિદાય સમારંભ દરમિયાન, તેમણે સીજેઆઈ ચંદ્રચુડ પાસેથી એક ખાસ ભેટ પણ માંગી હતી. વાસ્તવમાં, તેમણે વિનંતી કરી હતી કે નિવૃત્તિ પછી, તેમના સ્થાને મહિલા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે.
હિમા કોહલી મહિલા અધિકારોની મજબૂત રક્ષક છે’ સીજેઆઈ ચંદ્રચુડે જસ્ટિસ કોહલીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે હિમા માત્ર મહિલા જજ નથી, પરંતુ તે મહિલા અધિકારોની મજબૂત રક્ષક પણ છે. જસ્ટિસ કોહલી જેવા વ્યક્તિ સાથે બેસીને ઘણો આનંદ થાય છે. અમે ખૂબ જ ગંભીર વિચારોની ચર્ચા પણ કરી છે.
મહિલાઓને ન્યાયતંત્રમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના વડા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે કહ્યું કે મહિલાઓને ન્યાયતંત્રમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ. કપિલ સિબ્બલે સીજેઆઈને કહ્યું કે મહિલાઓને મોટા કેસ લડવાની તક નથી મળી રહી. તેમણે કહ્યું કે જો મહિલાઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બની શકે છે તો તેઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજ પણ બની શકે છે.