ઉલ્ટી વિવાદ: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર સાથે છેડો ફાડવા Ncpની ધમકી

ઉલ્ટી વિવાદ: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર સાથે છેડો ફાડવા NCPની ધમકી
India | 31 August, 2024 | 05:20 PM
પવાર જુથે પણ ‘મમરો’ મુક્યો: સત્તા માટે આત્મ સન્માન પણ ગુમાવી દીધું
મુંબઇ, તા.31
મહારાષ્ટ્રમાં આવતા ત્રણેક મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ મહાયુતિ સરકારમાં તડા પડ્યા છે. ‘ઉલ્ટી વિવાદ’ને પગલે એનસીપીએ છેડો ફાડવાની ધમકી ઉચ્ચારી છે.
મહાયુતિ સરકારમાં આરોગ્ય મંત્રી અને શિવસેનાના નેતા તાનાજી સાવંતે એવું વિવાદાસ્પદ વિધાન કર્યું હતું કે પોતે કટ્ટરવાદી સૈનિક છે અને ક્યારેય એનસીપી સાથે ન બેસે. કેબીનેટ બેઠકમાં એનસીપી નેતાની બાજુમાં બેસવું પડે ત્યારે પણ બહાર નીકળતી વખતે ‘ઉલ્ટી’ થતી હોવાનું લાગે છે.
શિવસેના નેતાના આ વિધાન સામે એનસીપીના પ્રવક્તા ઉમેશ પાટીલે એમ કહ્યું કે સેના નેતાના કઠોર વચન સાંભળવાના બદલે સરકાર સાથે છેડો ફાડવાનું બહેતર છે. સીનીયર નેતાઓને અનુરોધ કર્યો જ છે કે તાનાજી સાવંતની સરકારમાંથી હક્ાલપટ્ટી થાય અથવા પાર્ટી સરકાર સાથે છેડો ફાડે.મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના તથા એનસીપીની સંયુક્ત-મહાયુતિ સરકાર હોવાનું ઉલ્લેખનીય છે.
શાસક મોરચામાં મતભેદો વચ્ચે વિરોધપક્ષ એવા શરદ પવારની પાર્ટીના પ્રવકતા મહેશ તાપસેએ એવી ટીપ્પણી કરી હતી કે અજીત પવારે સંબંધો પણ વણસી રહ્યા છે. સત્તા માટે આત્મસન્માન સાથે બાંધછોડ થાય તેવી કલ્પના પણ ન કરી શકાય.