Gujarat News: સરદાર પટેલ હોય કે ગાંધીજી તમામે દેશ માટે સેવા કરી છે, કોઈ પણ રાજનેતાએ નિવેદન ન કરવું જોઈએ

મહારાષ્ટ્રમા ભાષાનો વિવાદ વધુ વકર્યો છે. મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિરૂદ્ધ કરવામાં આવેલી ટીપ્પણી બાદ ગુજરાતમાં રાજકીય અને સામાજિક આગેવાનોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પંચમહાલના કાલોલ તાલુકામાં કોર્ટના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન રાજ ઠાકરેના નિવેદન સામે પ્રતિક્રિયા આપી હતી.
દેશની આઝાદી માટે લડનારા નેતાઓ માટે કોઈએ નિવેદન ના કરવું જોઈએ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સરદાર પટેલ હોય કે મહાત્મા ગાંધીજી તમામ લોકોએ દેશ માટે સેવાઓ કરી છે. આવા વ્યક્તિ માટે કોઈપણ નેતાઓએ નિવેદન ન કરવુ જોઈએ. માત્ર રાજનીતિ થી પ્રેરાઈ એવા કોઈ પણ નિવેદનો કોઈ પણ કરે એ યોગ્ય નથી. તમામે દેશ માટે બલિદાન અને ત્યાગ આપ્યો છે પોતાના લોહી પરસેવો વહાવ્યો છે.તમામે દેશ માટે બલિદાન અને ત્યાગ આપ્યો છે પોતાના લોહી પરસેવો રેડયો છે દેશની આઝાદી માટે લડનારા નેતાઓ માટે રાજકીય નિવેદન કોઈપણ નેતાએ ના કરવું જોઈએ.
રાજ ઠાકરેના નિવેદનથી વિવાદ વકર્યો
તાજેતરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ એક નિવેદનમાં કહ્યું હતું કે, મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો. મુંબઈ મહારાષ્ટ્રમાં સમાવવામાં ના આવે તે માટે પહેલુ નિવેદન સરદાર પટેલે કહ્યું હતું તેવો આરોપ પણ રાજ ઠાકરેએ લગાવ્યો હતો. તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર આરોપ મુકતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પહેલા જે આંદોલન થયાં તેમાં મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી મરાઠીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. રાજ ઠાકરેના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.