Modasa: ચોમાસાના બારણે ટકોરા : વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો

બંગાળની ખાડી તેમજ અરબી સમુદ્રમાં તૈયાર થયેલા સર્કયુલેશનને કારણે અટકી ગયયેલ ચોમાસુ આગળ વધ્યુ છે. જે અંતર્ગત શનિવાર સાંજથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધીમા પગલે ચોમાસાનું આગમન થયુ હતું. શનિવારે સાંજના સમયે ભારે પવન ફૂંકાયા બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટા છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ પાટણ જિલ્લામાં પડયો હતો. ઉ.ગુ.ના 26 તાલુકામાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે સોમવારથી એક અઠવાડિયા સુધી વરસાદની આગાહી કરતાં આગામી દિવસોમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ પડવાની આશા રહેલી છે.
નેઋત્યના ચોમાસાએ મહારાષ્ટ્રમાં બ્રેક લઈ લીધા બાદ ફરીથી ચોમાસુ સક્રિય થયુ છે. ગુજરાતમાં ધીમા પગલે ચોમાસાનો પ્રારંભ થયો છે અને આગામી દિવસોમાં વરસાદનો વિસ્તાર અને તીવ્રતામાં પણ વધારો થવાની શક્તાઓ રહેલી છે. દરમિયાન શનિવારે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. સાંજે 7 વાગ્યા બાદ આકાશમાં વાદળો ગોરંભાયાં હતા અને ભારે પવન ફૂંકાયા બાદ વીજ કડાકા સાથે ઉત્તર ગુજરાતના 26 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. શનિવારે રાત્રે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પાટણ જિલ્લાના સમી તાલુકામાં 46 મી.મી પડયો હતો. જ્યારે સાંતલપુરમાં પણ 40 મી.મી વરસાદ પડયો હતો. બનાસકાંઠાના વાવમાં 30 મી.મી, સાબરકાંઠાના તલોદમાં 27 મી.મી, પાટણ જિલ્લાના શંખેશ્વરમાં 25 મી.મી, બનાસકાંઠાના થરાદમાં 24 મી.મી વરસાદ થયો હતો. આ સિવાયના અન્ય તાલુકાઓમાં પણ અડધા ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. ઉત્તર ગુજરાતમાં મોડી સાંજના સમયે વરસાદ પહેલાં ભારે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી. 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં કેટલીક જગ્યાએ ઝાડ ધરાશાઈ થયાં હતા અને વીજ પોલ પણ પડયા હતા. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યુ હો સોમવારથી સતત સાત દિવસ સુધી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ તા. 25મી જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. વરસાદના આગમનને પગલે ખેડૂતોમાં આનંદ છવાયો હતો.