ઈપીએફઓ કપાત માટે પારદર્શક સિસ્ટમ વિકસાવવી જરૂરી : માંડવિયા

ઈપીએફઓ કપાત માટે પારદર્શક સિસ્ટમ વિકસાવવી જરૂરી : માંડવિયા
India | 31 August, 2024 | 02:45 PM
કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રીએ ઈપીએફઓ અધિકારીઓ/ સાથે સમીક્ષા બેઠકમાં સૂચન કર્યું
નવી દિલ્હી.તા.31
શ્રમ અને રોજગારમંત્રી મનસુખ માંડવિયાએ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઇપીએફઓને પીએફ કપાત માટે એક મજબૂત અને પારદર્શક સિસ્ટમ વિકસાવવા માટે જણાવ્યું હતું.
કર્મચારીઓ અને ઈપીએફઓ અધિકારીઓ સાથેની તેમની સમીક્ષા બેઠક દરમિયાન, મંત્રીએ તેમને કાર્યક્ષમ અને ટાઈમ બાઉન્ડ ડિજિટલ મિકેનિઝમ વિકસાવવા નિર્દેશ આપ્યો હતો જે કર્મચારીઓને તેમના પગારમાંથી કરવામાં આવતી પીએફ કપાત વિશે નિયમિતપણે સૂચિત કરશે.
માંડવિયાએ ફરિયાદોને અસરકારક રીતે નિવારણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. શ્રમ અને રોજગાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેમણે ઈપીએફઓને ફરિયાદો માટે જવાબદાર મૂળ કારણોને ઓળખવા અને તેના ઉકેલો ઓછા સમયમાં લાગુ કરવામાં આવે તેની ખાતરી કરવા સૂચના આપી હતી.”
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલાં નોકરીદાતાઓ અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસ કેળવવા, પારદર્શિતા વધારવા અને દેશમાં પ્રોવિડન્ટ ફંડ સિસ્ટમની એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે નિર્ણાયક છે. મંત્રીએ નિવૃત્તિ ફંડની કાર્યક્ષમતા વધારવા માટે તબક્કાવાર તમામ વિભાગોમાં ઈપીએફઓની કામગીરીની સમીક્ષા હતી.
ગયાં અઠવાડિયે, તેમણે 60 મિલિયનથી વધુ ઈપીએફઓ સબ્સ્ક્રાઇબર્સ માટે સરળતા વધારવા માટે ત્રણ મહિનામાં સુધારેલી આઈટી સિસ્ટમ ઈપીએફઓ આઈટી સિસ્ટમ 2.01 દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. આનાથી વિવિધ સભ્ય અને એમ્પ્લોયર ટ્રાન્ઝેકશન માટે પ્રક્રિયાઓ સરળ થવાની અપેક્ષા છે.