દ્વારકા જિલ્લામાં 1650નું સ્થળાંતર – 148નું રેસ્કયુ : હવે ખંભાળીયામાં પાણી વિતરણ ઠપ્પ
.jpg?w=780&resize=780,470&ssl=1)
દ્વારકા જિલ્લામાં 1650નું સ્થળાંતર – 148નું રેસ્કયુ : હવે ખંભાળીયામાં પાણી વિતરણ ઠપ્પ
Saurashtra | Jamnagar | 31 August, 2024 | 11:10 AM
14 હજાર ફૂડ પેકેટનું વિતરણ : રોગચાળો અટકાવવા સર્વે શરૂ : પૂરમાં ધોવાઇ ગયેલી પાણીની લાઇનો પૂર્વવત કરવા તંત્રના પ્રયાસો : દેવભૂમિમાં મેઘ વિરામથી રાહત
(કુંજનરાડીયા)જામખંભાળીયા,તા. 31
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત ચાર દિવસ સુધી વરસી ગયેલા અતિભારે વરસાદે ગુરૂવારે સાંજથી વિરામ લેતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સલામતીને પ્રાથમિકતા આપી અને ગુરૂવારથી જ રાહત બચાવ સહિતની પૂરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
દ્વારકા જિલ્લામાં શુક્રવારે બપોર સુધીમાં જિલ્લામાં કુલ 142 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે 1652 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જેમાં ભાણવડ તાલુકામાં 359, ખંભાળિયા તાલુકામાં 163, દ્વારકા તાલુકામાં 975 તેમજ કલ્યાણપુર તાલુકામાં 155 જેટલા નાગરિકોને આશ્રયસ્થાન ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને કોઈપણ તકલીફ ન થાય તે માટે તકેદારી રાખી અત્યાર સુધીમાં કુલ 14,000 થી વધારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ભારે વરસાદની સ્થિતિ પગલે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા અહેવાલ અનુસાર એક માનવ મૃત્યુ તેમજ 2 માનવ ઇજા તથા 66 જેટલા પશુ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 32 તેમજ રાજ્ય હસ્તકના 4 રસ્તા હાલ બંધ છે. જ્યારે એસ.ટી.ના 17 રૂટ બંધ છે. જિલ્લામાં વીજ પુરવઠાની સ્થિતિમાં કુલ 423 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે.
તેમાં ખંભાળિયા તાલુકામાં 146, ભાણવડ તાલુકામાં 53, કલ્યાણપુર તાલુકામાં 108 તથા દ્વારકા તાલુકામાં 116 વીજ પોલ ક્ષતિગ્રસ્ત થયા છે. જેને પૂર્વવત કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વરસાદી વિરામ બાદ નાગરિકોના આરોગ્ય બાબતને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં બે હજાર કરતાં વધારે ઘરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
હાલમાં જિલ્લામાં વરસાદે વિરામ લેતા લોકોને નદી, ડેમ જેવા વિસ્તારોમાં નહિ જવા, પાણી ભરાયેલા કોઝ – વે પરથી પસાર નહિ થવા ઉપરાંત કોઈપણ સહયોગ માટે જરૂર જણાયે તાલુકા કંટ્રોલ રૂમ અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ચાચલાણા ખાતે 22 જેટલા લોકોનું રેસ્ક્યુ
જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. કલ્યાણપુર તાલુકાના દેવળીયા અને ચાચલાણા ગામેથી 22 જેટલા નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન તંત્રના કંટ્રોલરૂમને આ અંગે મળેલા સંદેશાને પગલે તંત્ર અને એનડીઆરએફના જવાનો દ્વારા તમામને લાઇફ સેવિંગ જેકેટ પહેરાવી બોટમાં બેસાડી આશ્રય સ્થાને સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.
પાણી વિતરણ
ખંભાળિયા પંથકમાં રવિવારથી બુધવાર સુધી અવિરત રીતે મુશળધાર વરસાદ વરસતા સાર્વત્રિક પુરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આ વચ્ચે અહીંના ઘી ડેમમાં પણ વરસાદી પાણીની ઘોડાપૂર જેવી આવક થતા ઐતિહાસિક કહી શકાય તેટલો સાત ફૂટે ઘી ડેમ સતત ઓવરફ્લો થયો હતો. આ પરિર્સ્થિતિમાં ઘી ડેમ નજીકથી પસાર થતી પાણી વિતરણ વ્યવસ્થા માટેની લાઈનો સંપૂર્ણપણે ધોવાઈ અને બેવડી વળી ગઈ હતી. આના કારણે ખંભાળિયા શહેરમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ થઈ શકતું ન હતું અને નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મહત્વના મુદ્દે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા ઘી ડેમની પાણીની આ લાઈનો તાત્કાલિક રીપેર થાય તે માટે અધિકારીઓને આપવામાં આવેલી સૂચના સાથે ખાનગી કંપનીઓના હાઇડ્રા જેવા આધુનિક મશીન અને ટેકનિકલ સહયોગ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત પાણી પુરવઠા પાસે રહેલી પાઈપ લાઈનનો પણ રીપેરીંગ માટે ઉપયોગ કરવાની સૂચના અપાઈ હતી.
જેને અનુલક્ષીને ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસ તેમજ પાણી પુરવઠા ઇજનેર એન.આર. નંદાણીયા તેમજ તેમની ટીમ દ્વારા આ મુદ્દે તાકીદની કાર્યવાહી કરી અને રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વચ્ચે શહેરમાં 40 ટકા પાણી પુરવઠો ફુલવાડી વોટર વકર્સ વિભાગમાંથી અપાય છે, તે વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે નજીકના સંપમાં બોરની મદદથી પાણી પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે.
ગુરૂવારે સાંજથી અહીં વરસાદ સંપૂર્ણપણે અટકી ગયો હોય, પાણીની લાઈનો નાખવા માટેની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે જરૂરિયાત મુજબના વિસ્તારોને નજીકના બોર તેમજ ટેન્કર દ્વારા પાણી મળે તે માટે પણ કામગીરી કરવામાં આવી હતી.