ગીરસોમનાથ જિલ્લામાં હવે સફાઈ માટે ઓપરેશન: રોગચાળો રોકવા ટીમો ઉતારાઈ

ગીરસોમનાથ જિલ્લામાં હવે સફાઈ માટે ઓપરેશન: રોગચાળો રોકવા ટીમો ઉતારાઈ
Saurashtra | Veraval | 31 August, 2024 | 10:04 AM
♦ત્રણ તાલુકામાં 30 વર્ષનો સૌથી વધુ વરસાદ: દવા છંટકાવ શરૂ: વીજ કંપનીની ટીમો વરસાદમાં પણ ખડેપગે: લોકોને ઉકાળીને પાણી પીવા સલાહ
(મિલન ઠકરાર-વેરાવળ) વેરાવળ,તા.31
વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં મેઘ મહેર થઇ રહી છે. વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. ઓગસ્ટ માસના અંત સુધીમાં જ સિઝનનો સરેરાશ 93.24 % વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ત્રણ તાલુકામાં તો 100 %થી વધુ વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ વેરાવળ-પાટણ તાલુકામાં સિઝનનો સરેરાશ 117.99 % વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉનામાં સિઝનનો સરેરાશ 65.03 % વરસાદ નોંધાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં મેઘ મહેર થઇ છે. જેમાં સિઝનના અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો ગીરગઢડામાં સિઝનનો સરેરાશ 74.06%, તાલાલામાં સિઝનનો સરેરાશ 111.22 %, વેરાવળ-પાટણમાં સિઝનનો સરેરાશ 117.99%, સુત્રાપાડામાં સિઝનનો સરેરાશ 105.15 %, કોડિનારમાં સિઝનનો સરેરાશ 81.72% અને ઊના તાલુકામાં સિઝનનો સરેરાશ 65.03 % વરસાદ નોંધાયો છે.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ, છેલ્લા 30 વર્ષની સરેરાશ મુજબ તાલાલા તાલુકામાં 111.22, પાટણ-વેરાવળ તાલુકામાં 117.99 અને સુત્રાપાડા તાલુકામાં 105.15 % વરસાદ નોંધાઇ ચૂક્યો છે. આથી કહી શકાય કે, જિલ્લાના ત્રણ તાલુકામાં સિઝનનો સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
આમ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલ રૂમમાં તા.30-08-2024ના બપોરના ચાર વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ સરેરાશ 93.24 ટકા વરસાદના આંકડા નોંધાયા છે.
નગરપાલિકા:-
સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ પવન સાથે ભારે વરસાદ વરસવાની આગાહી હતી. જિલ્લામાં વરસાદની તિવ્રતા ઓછી થતાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે એક નંબરથી અગિયાર નંબર સુધીના વોર્ડમાં વિવિધ જગ્યાઓએ સાફ-સફાઈ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
આ સાથે જ લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે વિવિધ વોર્ડમાં દવા છંટકાવની કામગીરી પણ કરવામાં આવી છે.
આરોગ્ય તંત્ર:-
જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા, કોડિનાર તેમજ ઉના તાલુકામાં વ્યાપક પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. વરસાદની સ્થિતિમાં જિલ્લામાં રોગચાળાની સ્થિતિ ઉભી ન થાય તે માટે ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિષયક કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.
આરોગ્ય તંત્ર દ્વારા જંતુનાશક દવા અને પાવડરનો છંટકાવ કરી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા પ્રયાસ થકી જિલ્લામાં રોગચાળો અટકાવવા ગીર સોમનાથ આરોગ્યતંત્ર પણ સક્રિય કામગીરી કરી રહ્યું છે.
આરોગ્યતંત્ર દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે પાણીજન્ય રોગચાળો અટકાવવા પીવાના પાણીનું ક્લોરીનેશન તેમજ ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ સાથે લોકોને મચ્છરજન્ય રોગો સામે રક્ષણ અને પાણી ઉકાળીને પીવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં લોકોની આરોગ્ય તપાસ કરવાનું પણ આયોજન હાથ ધરાયું છે.
પીજીવીસીએલની ટીમ:-
જિલ્લામાં હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ વહીવટી તંત્ર સાબદું રહ્યું હતું. ભારે વરસાદ અને ઉપરવાસમાં પાણીની આવક વચ્ચે કટોકટીની પળોમાં વીજપ્રવાહ નિયમિત જળવાઇ રહે એ દિશામાં પીજીવીસીએલની ટીમ ખડેપગે તૈનાત રહી હતી.
ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં રાબેતા મુજબ વીજપુરવઠો પ્રસારિત થતો રહે એ માટે વિદ્યુતવિભાગ કાર્યરત રહ્યું હતું અને વીજ વિક્ષેપ ઉભો ન થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પીજીવીસીએલની ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની અલગ અલગ ટીમના કર્મયોગીઓ દ્વારા સૂઝબૂઝ અને આકરી મહેનતનાં કારણે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મહદઅંશે સાતત્યપૂર્ણ રીતે વિજ નિયમન કરી વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.
વધુમાં, વિદ્યુતવિભાગ તરફથી વીજળીની પરિસ્થિતિમાં નાગરિકોને આકાશી વીજળી થતી હોય ત્યારે ઈલેક્ટ્રિક ઉપકરણો કે થાંભલાનો સ્પર્શ કરવો નહીં, ઈલેક્ટ્રિક ઉપકરણોને પાણીની પાઈપલાઈન તથા ભેજથી હંમેશા દૂર રાખવા. શોર્ટસર્કિટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી તેમજ ઘરના દરેક સભ્યોને મેઈનસ્વિચ અંગેની જાણકારી સહિતની સૂચનાઓ આપી લોકોને સાવચેત રહેવા જણાવાયું હતું.