Modasa: ભરઉનાળે અષાઢી માહોલ : વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે રાત્રે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને કડાકા-ભડાકા સાથે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ થયો હતો. હજુ આગામી છ દિવસ સુધી ઉત્તર ગુજરાતના હવામનમાં પલટો રહેશે અને કમોસમી વરસાદ થશે તેવી હવમાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ વકી રહેલી છે. જેના પગલે ઉનાળુ તૈયાર પાક થઈ ગયો છે. તે ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદ અને વાવઝોડાને કારણે બાગાયતી પાકોને પણ વ્યાપક નુકસાન જવાનો ભય રહેલો છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ 6 મે સુધી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ સિસ્ટમ મજબૂત બનતાં હવે આગામી તા. 10મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ આગામી દિવસોમાં સિસ્ટમ વધુ મજબૂત બનતાં માવઠાનો વિસ્તાર અને તીવ્રતામાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. મોટાભાગે બપોર બાદ વાતાવરણમાં પલટો આવશે અને કડાકા-ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. આગાહીના દિવસોમાં કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં એકથી બે ઈંચ સુધીનો કમોસમી વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે.
શનિવારે ક્યાં કેટલો વરસાદ પડયો ?
જિલ્લો તાલુકો વરસાદ (મિ.મી.માં)
બનાસકાંઠા પાલનપુર 20
મહેસાણા વિજાપુર 19
બનાસકાંઠા દાંતીવાડા 18
બનાસકાંઠા વડગામ 17
બનાસકાંઠા દાંતા 05
મહેસાણા વડનગર 05
બનાસકાંઠા ધાનેરા 04
બનાસકાંઠા અમીરગઢ 02
મહેસાણા વિસનગર 02
અરવલ્લી મોડાસા 02
અરવલ્લી માલપુર 02
સાબરકાંઠા પ્રાંતિજ 02
મહેસાણા સતલાસણા 01
અરવલ્લી ભિલોડા 01
સાબરકાંઠા તલોદ 01
ભરઉનાળામાં કમોસમી વરસાદનો રાઉન્ડ કેમ આવ્યો ?
તા. 15મી જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. પરંતુ તે પહેલાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થતો હોય છે અને છૂટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ થાય છે. અ વર્ષે પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના નીચલ લેવલ પર એક અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન એક્ટિવ થતાં ભેજની સપ્લાય અને અસ્થિરતા ગુજરાત તરફ આવતાં માવઠાનો રાઉન્ડ આવ્યો છે. જો કે પ્રથમ વખત ઉનાળામાં સિસ્ટમ મજબૂત બની છે. પરિણામે શનિવારે તો શરૂઆત જ થઈ છે. પરંતુ આગામી દિવસોમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળે તેવી વકી રહેલી છે.
ભિલોડા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પાકની બોરીઓ પલળી
શનિવારે રાત્રે અચાનક કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે અરવલ્લીમાં ભિલોડા માર્કેટયાર્ડમાં કેટલાક વેપારીઓએ દુકાનો આગળ મુકી રાખેલ ઘઉં, મકાઈ, સોયાબિન સહિતના પાકની બોરીઓ પલળી ગઈ હતી. માવઠાને પગલે વેપારીઓએ માલ બચાવવા તાડપત્રીઓ ઢાંકવા દોડધામ કરી મુકી હતી. જો કે કેટલાક વેપારીઓનો માલ પલળી જતાં વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં મોડાસા અને માલપુર તાલુકામાં તેમજ સાબરકાંઠામાં પ્રાંતિજ, તલોદ અને પોશીના તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.