Modasa Rain: પહાડપુર પાસેના રેલ્વે અંડરપાસમાં ભરાયા કેડસમા પાણી, ખેડૂતોની આંદોલનની ચીમકી

ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાં ભારે વરસાદનું જોર રહેતા અનેક જિલ્લાઓમાં જળબંબાકાર થયા. મોડાસામાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહાડપુર ગામમાં રેલવે અંડર પાસમાં 7 ફૂટ પાણી ભરાઈ ગયા. અન્ડરપાસમાં પાણી ભરાતા ગામના ખેડૂતોમાં તંત્રની બેદરકારીને લઈને આક્રોશ જોવા મળ્યો. વરસાદ બંધ થયા બાદ પણ આ અન્ડરબ્રિજમાંથી પાણી ઓસરતા નથી. જેને લઈને પાણીના નિકાલ મામલે ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે.
વરસાદી આફત અને તંત્રની બેદરકારી
મોડાસાના લોકો વરસાદી આફત અને તંત્રની બેદરકારીના કારણે વધુ હાલાકીનો સામનો કરી રહ્યો છે. રેલ્વે વિભાગ દ્વારા મોડાસાના પહાડપુર પાસે મોડાસાથી શ્યામળાથી દિલ્હી જતી રેલ્વે લાઈનનું અત્યારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. પહાડપુર પાસે અંડર પાસ બનાવવામાં આવ્યો છે. આ અન્ડરપાસમાં અત્યારે કમરસુધી પાણી ભરાઈ ગયા છે. વધુ વરસાદ આવે ત્યારે અન્ડરપાસમાં સંપૂર્ણપાણે ભરાઈ જાય છે. આ અન્ડરપાસની આસપાસ હજ્જારો વિઘા ખેડૂતોની જમીન આવેલી છે. ગ્રામજનોનો કાયમી અવરજવરનો રસ્તો પણ આ જ છે. ત્યારે અન્ડરપાસમાં કેડસમા પાણી ભરાતા રોજિંદી જરૂરિયાત માટે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોનો તંત્રની કામગીરી સામે આક્ષેપ
રેલ્વેતંત્રની નબળી કામગીરીને આ વિસ્તારોનો લોકો રોષે ભરાયા છે. લોકોનો આક્ષેપ છે કે આ અન્ડર બ્રિજમાંથી વરસાદી પાણી કાઢવાને લઈને કોઈ ચોક્કસ કામ કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા ગ્રામજનોનું ધ્યાન રાખ્યા વગર પોતાની સવલત માટે પહાડપુર પાસે જ્યાં ત્યાં અન્ડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ અન્ડર બ્રિજના કારણે આ વિસ્તારના સ્થાનિકોની હાલત વધુ કફોડી બની છે.
વિકાસના કામમાં અમારી જરૂરિયાત ભૂલ્યા
ગ્રામજનોની ફરિયાદ છે કે વિકાસના કામોમાં અમારું ધ્યાન રાખવામાં આવતું નથી. અમારા ખેતરોની વચ્ચે નવી રેલ્વે લાઈન બનાવવામાં આવી રહી છે.અને આ રેલ્વેલાઈન બનાવવા માટે રસ્તામાં કોઈપણ પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ અન્ડરપાસમાં પાણી ભરાતા અમારા ખેતીના કામો અને રોજિંદા કામો પર અસર થઈ રહી છે. આ રસ્તા પર વાહનવ્યહાર ભારે રહેવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ કામગીરીને લઈને અમારા કામનો સખત વિરોધ છે.