Gujarat: વિસાવદરની જીત બાદ AAPમાં કકળાટ, બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા નારાજ

ગુજરાતમાં યોજાયેલી કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વિસાવદર બેઠક પર મોટા માર્જિન સાથે જીતી ગયા છે. જેના કારણે માત્ર ગુજરાત જ નહીં દિલ્હીમાં પણ આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ આ જીતની ખુશી વચ્ચે પાર્ટી માટે આંચકાજનક સમાચારો સામે આવ્યાં છે. આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ થયાં છે.
પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરશે
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાની જીત થયા બાદ પાર્ટીથી નારાજ થયાં છે. તેઓ પાર્ટી સામે મોરચો ખોલી શકે છે. આવતીકાલે તેઓ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરશે. તેઓ કયા કારણે પાર્ટીથી નારાજ છે તે પ્રેસ કોન્ફરન્સમાં આવતીકાલે જણાવશે઼. તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે.
બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટીકિટ આપી હતી
આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટીકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતાં. જેમાં તેમનો પરાજય થયો હતો.