બ્રેકીંગ ન્યુઝ

Modasa: ધમકીભર્યો મેલઃ પહલગામ ફર્સ્ટ, અરવલ્લી કલેક્ટર કચેરી સેકન્ડ


ભારતીય વાયુસેનાએ મંગળવારે રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આંતકીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઘટના બાદ દેશભરમાં અજંપાભરી સ્થિતિ છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્તકતા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. આવી સ્થિતિ વચ્ચે બુધવારે બપોરે અરવલ્લી કલેક્ટર કચેરીને એક શંકાસ્પદ મેલ મળતાં તંત્ર હરકતમાં આવી ગયુ હતું. શંકાસ્પદ મેલને પગલે સમગ્ર સેવા સદન ખાલી કરાવી દઈ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી દેવામાં આવી હતી. બીજી તરફ શંકાસ્પદ મેલ અંગે સાયબર ક્રાઈમની ટીમ દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે.

અરવલ્લી કલેક્ટરને બુધવારે સવારે એક શંકાસ્પદ મેલ મળ્યો હતો. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પહેલગામ ફર્સ્ટ અને અરવલ્લી કલેક્ટર કચેરી સેકન્ડ એવા લખાણ સાથેનો મેલ મળતાં જ તંત્ર એલર્ટ થઈ ગયુ હતું અને પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો અરવલ્લી સેવા સદનમાં દોડી પહોંચી હતી. અરવલ્લી સેવા સદનની તમામ કચેરીઓ ખાલી કરાવી દઈ પોલીસ દ્વારા શંકાસ્પદ મેલ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી દેવામાં આવી હતી. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લા સેવા સદનમાં શંકાસ્પદ મેલ મળતાં કડક સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં છે. સમગ્ર જિલ્લા સેવા સદનની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સેવા સદન પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે.

જો કે વિવિધ એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને પોલીસની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ મામલે અરવલ્લી વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. સેવા સદનની આસપાસના વિસ્તારોમાં પણ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવા લોકોને જાણ કરવામાં આવી છે. એક તરફ ભારતની સેનાઓે પાકિસ્તાન અને પીઓકેમાં આંતકવાદીઓના ઠેકાણાઓ નિશાન બનાવી કેટલાક આંતકીઓને ઠાર કર્યા છે. આ ઘટના બાદ દેશભરમાં અજંપાભરી સ્થિતિ છે. તેવા સમયે જ અરવલ્લી કલેક્ટર કચેરીને શંકાસ્પદ મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે.

સમગ્ર મામલે અરવલ્લી કલેક્ટર શું કહે છે ?

આ અંગે અરવલ્લી કલેક્ટર પ્રશસ્તિ પારિકે જણાવ્યુ હતું કે,કચેરીને એક શંકાસ્પદ મેલ મળ્યો હતો. જેના પગલે તાબડતોબ સુરક્ષાનાં પગલાં ભરવામાં આવ્યા હતા અને પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ મારફતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કોઈ શંકાસ્પદ વસ્તુ હાથમાં લાગી નથી. પરંતુ સુરક્ષાના કારણોસર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

સાઈબર ક્રાઈમ દ્વારા મેલ અંગે તપાસ હાથ ધરાઈ

અરવલ્લી કલેક્ટરને શંકાસ્પદ મેલ મળતાં જ આ અંગે સાયબર ક્રાઈમને જાણ કરી દેવામાં આવી હતી. જેના પગલે સાયબર ક્રાઈમના નિષ્ણાતો દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે. શંકાસ્પદ મેલ ક્યાંથી આવ્યો અને તેમાં કોની સંડોવણી છે તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી દેવામાં આવી છે.

એક વાગ્યા સુધી કચેરી ખાલી કરી દેવાની ધમકી અપાઈ

એક તરફ અરવલ્લી કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોના વડાઓ સાથે સુરક્ષા મામલે બુધવારે બેઠક યોજવામાં આવી હતી અને જિલ્લામાં બારીકાઈથી નજર રાખવા તાકીદ કરવામાં આવી હતી. આવા સમયે જ અરવલ્લી કલેક્ટરને એક શંકાસ્પદ મેલ મળ્યો હતો અને તેમાં પહેલગામ બાદ અરવલ્લી લખાણ સાથે એક વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લો બે રાજ્યની બોર્ડર પર આવેલ હોઈ ચિંતા વધી

પહેલગામમાં આંતકીઓએ પ્રવાસીઓ ઉપર કરેલા હુમલા બાદ દેશભરમાં ઉચાટનો માહોલ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આંતકીઓના ઠેકાણાઓ નાશ કર્યા બાદ દેશભરમાં ઉત્તેજના વધી ગઈ છે. આવા સમયે જ અરવલ્લી કલેક્ટર કચેરીને મળેલા શંકાસ્પદ મેલથી ચિંતા વધી છે. અરવલ્લી જિલ્લો રાજસ્થાન સરહદે આવેલો છે. ત્યારે બે રાજ્યની બોર્ડર પર આવેલા જિલ્લાની કલેક્ટર કચેરીને મળેલા શંકાસ્પદ મેલથી ચિંતામાં વધારો થયો છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!