Modasa: નિવૃત્ત PSIપિતાની રિવોલ્વરથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરનાર પુત્રની ધરપકડ

ભિલોડા તાલુકાના ભાણમેર ગામે નિવૃત્ત પીએસઆઈના પુત્રએ રિવોલ્વરથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી 10 વર્ષની બાળકી સહિત ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. સામે પક્ષે પણ છ વ્યકિતઓ વિરૂધ્ધ હુમલો કર્યાની ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાણમેર ગામે થયેલા ફાયરિંગ પ્રકરણમાં ભુરજીભાઈ રાવજીભાઈ બરંડાના પિતા, ભાઈ અને 10 વર્ષની દિકરી સાથે કુટુંબના જ નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરંડા તેમના પુત્ર વૈભવ અને કુટુંબી મહેશ રૂપાજી બરંડાએ ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં નિવૃત્ત પીએસઆઈના પુત્ર વૈભવે તેની પાસેની પિસ્તોલ વડે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી 10 વર્ષની બાળકી સહિત ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કરનાર વૈભવ કનૈયાલાલ બરંડની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી મહેશ રૂપાજી બરંડાની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં સામા પક્ષે નિવૃત્ત પીએઆઈ કનૈયાલાલ સોમાભાઈ બરંડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓના ભત્રીજાની દીકરીનું લગ્ન હોય ઘરના સભ્યો વરઘોડામાં હાજર હતા. તે સમયે નાચ કરવા બાબતે સમાન્ય બોલાચાલી થતાં તેની અદાવત રાખી વિજય રાવજીભાઈ બરંડા, કાંતિ હિરાભાઈ બરંડા, ભુરજી રાવજીભાઈ બરંડા, રાવજી સોમાભાઈ બરંડા, હાર્દિક કાંતિભાઈ બરંડા અને નૈનેશ બાબુભાઈ ડામોરે ઝઘડો કર્યો હતો. જેમાં નિવૃત્ત પીએસઆઈના માથા ઉપર અને મોંઢા ઉપર માર મારવામાં આવ્યો હતો. જેના પગલે તેઓને ભિલોડા અને ત્યાંથી હિંમતનગર અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. તેઓના પુત્ર વૈભવ અને ભત્રીજા મહેશને પણ માર માર્યો હતો.