પુતિન ધરપકડની પરવાહ કર્યા વગર મોંગોલિયા જશે : ઇન્ટરનેશનલ કોર્ટની કાર્યવાહીના આદેશની એસી તેસી, રશિયાએ કહ્યું અમને ચિંતા નથી

પુતિન ધરપકડની પરવાહ કર્યા વગર મોંગોલિયા જશે : ઇન્ટરનેશનલ કોર્ટની કાર્યવાહીના આદેશની એસી તેસી, રશિયાએ કહ્યું અમને ચિંતા નથી
World | 31 August, 2024 | 01:08 PM
મોસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 3 સપ્ટેમ્બરે મંગોલિયાની મુલાકાતે જવાના છે. દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ કહ્યું છે કે જો પુતિન મંગોલિયા જાય છે તો તેની ધરપકડ કરવાની જવાબદારી ત્યાંના અધિકારીઓની છે.
કોર્ટના પ્રવક્તા ડો. ફાદી અલ-અબ્દલ્લાહે બીબીસીને જણાવ્યું કે આઈસીસીના આદેશોનું પાલન કરવું તે મંગોલિયાની ફરજ છે. તેણે આમાં સહકાર આપવો જોઈએ. મંગોલિયા ICC નો સભ્ય છે. ગયા વર્ષે માર્ચમાં ICCએ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. કોર્ટે કહ્યું કે પુતિન યુદ્ધ અપરાધો માટે જવાબદાર છે.
આ પહેલો પ્રસંગ હતો જ્યારે ICCએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સ્થાયી સભ્ય દેશના ટોચના નેતા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. રશિયાએ ICC દ્વારા પુતિનના નામ પર વોરંટ જારી કરવાને ’શરમજનક’ ગણાવ્યું હતું. અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ UNSCના કાયમી સભ્ય છે.
જો પુતિન મંગોલિયાની મુલાકાતે જાય તો તેની ધરપકડ કરવાની પણ યુક્રેને માંગણી કરી છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું- અમે આશા રાખીએ છીએ કે મંગોલિયાને જાણ હશે કે પુતિન યુદ્ધ અપરાધી છે અને ICCએ તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.વોરંટ જારી થયા બાદ ICCના સભ્ય દેશની આ રશિયન રાષ્ટ્રપતિની પ્રથમ મુલાકાત હશે.
વોરંટ જારી થયા બાદ પુતિન 11 દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં ચીન, ઉત્તર કોરિયા, સાઉદી અરેબિયા અને ઞઅઊ જેવા દેશોનો સમાવેશ થાય છે. જોકે, અત્યાર સુધી તેણે ICCના સભ્ય એવા કોઈપણ દેશમાં પ્રવાસ કરવાનું ટાળ્યું છે.
રશિયા પુતિન પર લાગેલા આરોપોને ફગાવી રહ્યું છે. સમાચાર એજન્સી એએફપી અનુસાર, મંગોલિયામાં ધરપકડના પ્રશ્ન પર, રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનએ કહ્યું કે તેને પુતિનની મુલાકાતને લઈને ’કોઈ ચિંતા’ નથી.
પુતિનની આ મુલાકાત મોંગોલિયન રાષ્ટ્રપતિ ઉખ્ના ખુરેલસુખના આમંત્રણ પર થઈ રહી છે. 1939 માં, સોવિયેત યુનિયન અને મંગોલિયાની સેનાએ સાથે મળીને જાપાની સેનાને હરાવી. 3જી સપ્ટેમ્બરે તેને 85 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પુતિન આ સમારોહનો ભાગ બનવા રાજધાની ઉલાન બાટોર જઈ રહ્યા છે.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને પૂછવામાં આવ્યું કે શું પુતિનની મુલાકાત અંગે મંગોલિયા સાથે ધરપકડ વોરંટની ચર્ચા કરવામાં આવી છે. આ અંગે તેણે કહ્યું-
મંગોલિયા સાથે અમારા સારા સંબંધો છે. જોકે અમે રાષ્ટ્રપતિની મુલાકાતની તૈયારીમાં તમામ સાવચેતી રાખી છે.
જો આદેશોનું પાલન ન થાય તો શું થશે?
રિપોર્ટ અનુસાર, જો મંગોલિયા ICCના આદેશનું પાલન નહીં કરે તો કોર્ટ તેના વિશે કંઈ કરી શકે નહીં. જોકે, ICCના પ્રવક્તા ડો.અબ્દાલ્લાહનું કહેવું છે કે જો કોઈ સભ્ય દેશ આદેશનું પાલન કરવાનો ઇનકાર કરશે તો ICC તેના પર નજર રાખશે. સભ્ય દેશોની બેઠક દરમિયાન ચર્ચા થશે. આ પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ICC પાસે કોઈની ધરપકડ કરવાની સત્તા નથી અને તે તેના આદેશોને અમલમાં મૂકવા માટે તેના સભ્ય દેશો પર આધાર રાખે છે. ભારત, ચીન, તુર્કી, પાકિસ્તાન, રશિયા સહિતના ઘણા મોટા દેશો ICCના સભ્ય નથી, તેથી તેઓ તેના આદેશોનું પાલન કરતા નથી.