Modasa ના ઉમેદપુર (દધાલિયા) ખાતે ખંડુજી મહાદેવના મેળામાં માનવ મહેરામણ ઊમટયો

મોડાસા તાલુકાના ઉમેદપુર ગામે દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે ખંડુજી મહાદેવનો મેળો ભરાય છે. ત્યારે મેળામાં જનમેદની ઉમટી પડતાં રસ્તાઓ ચક્કાજામ થયા હતા.મેળામાં હજારો લોકો પહોંચ્યા હતા અને સવારથી જ મંદિરમાં શ્રાધ્ધાળુઓની કતારો લાગી હતી.
બીજી તરફ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ઉમેદપુર (દધાલિયા) ગામે આવેલ ખંડુજી મહાદેવ ખાતે મેળલ ભરાયો હતો. જેમાં અરવલ્લી, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. સમગ્ર દિવસ દરમ્યાન હજારો લોકોએ મેળાની મજા માણી હતી. જ્યારે ખંડુજી મહાદેવના દર્શન માટે શ્રધ્ધાળુઓની કતારો લાગી હતી. મેળામાં અનેક દુકાનો અને વિવિધ વસ્તુઓના સ્ટોલ લાગ્યા હતા. મેળામાં આવનાર શ્રધ્ધાળુઓ માટે ઉમેદપુરના ગ્રામજનો દ્વારા ચા-પાણી અને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે મેળામાં ડાયરાનું આયોજન કરાતાં ભજન અને દેશી ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. રવિવારે બપોરના સમયે જનમેદની વધી જતાં ઉમેદપુર તરફના માર્ગો ચક્કાજામ થયા હતા અને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે કાર્યવાહી કરવામાં આવી હતી.