બ્રેકીંગ ન્યુઝ

Gujarat: પાટણની ઈલમપુર અને ચડાસણા ગ્રામ પંચાયત સતત પાંચમી વાર સમરસ જાહેર થઈ, વિકાસ કામો માટે મળશે 8.50 લાખની ગ્રાન્ટ


તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આ યોજનાના અસરકારક પરિણામો જાહેર થયાં છે.જેમાં પાટણ જિલ્લાની બે પંચાયતો સતત પાંચમી વખત સમરસ જાહેર થઈ છે.પાટણની ઈલમપુર ગ્રામ પંચાયતને ગામના વિકાસ માટે 8.50 લાખની ગ્રાન્ટ મળશે. પાટણ જિલ્લામાં આવેલી ઈલમપુર ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ સતત પાંચમી વખત સમરસ અને પ્રથમ વખત મહિલા સમરસ જાહેર થઈ છે. એટલે કે હવે પાંચ વર્ષ સુધી ગામનું સુકાન મહિલાઓ સંભાળશે.

ઈલમપુર ગ્રામ પંચાયતને 8.50 લાખનું અનુદાન આપવામાં આવશે

સતત પાંચમી વખત સમરસ બનવા બદલ ઈલમપુર ગ્રામ પંચાયતને 8.50 લાખનું અનુદાન આપવામાં આવશે.ઈલમપુરની ગ્રામ પંચાયતમાં 35 વર્ષીય સરપંચ કેસરબેન મંગાજી ઠાકોર ઉપરાંત 8 અન્ય સભ્યો છે.આ તમામ સભ્યો મહિલાઓ જ છે જેમની ઉંમર 32થી 68 વર્ષ છે.સરપંચ કેસરબેને જણાવ્યું હતું કે, 1100થી વધુની વસ્તી ધરાવતા અમારા ઈલમપુર ગામમાં આઝાદી પછી ચૂંટણી જ નથી થઈ. અહીં લોકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. સરકાર તરફથી જે ગ્રાન્ટ મળશે તેનાથી અમે ગામનો વિકાસ સુનિશ્ચિત કરશું.

ચડાસણા ગ્રામ પંચાયત પણ સતત પાંચમી વખત સમરસ જાહેર થઈ

ઈલમપુર ગ્રામ પંચાયતની જેમ પાટણની ચડાસણા ગ્રામ પંચાયત પણ સતત પાંચમી વખત સમરસ જાહેર થઈ છે.ચડાસણા ગ્રામ પંચાયતને પણ આ સિદ્ધિ માટે 8.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે.56 વર્ષીય દેસાઈ અમથીબેન દિનેશભાઈ ચડાસણા ગ્રામ પંચાયતના સરપંચ છે.તેમના ઉપરાંત પંચાયતમાં 8 મહિલા સભ્યો છે. ગામના સરપંચ જણાવે છે કે,અમારા ગામમાં 547ની વસ્તી છે અને તમામ જ્ઞાતિના લોકો સંપ અને સુમેળથી રહે છે.ઈલમપુર ગામ જો આ રીતે હંમેશાં સમરસ જ રહેશે તો ગામમાં કાયમ શાંતિ જળવાઈ રહેશે અને ગામનો વિકાસ થતો રહેશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કુલ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ

‘સમરસ ગ્રામ પંચાયત યોજના’ હેઠળ મહિલા સમરસ ગ્રામ પંચાયતની પહેલ એ મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કુલ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર થઈ છે. જેની ટોપ-5 યાદીમાં મહેસાણા (9), પાટણ (7), ભાવનગર (6), બનાસકાંઠા (6) અને વડોદરા (4) સામેલ છે.આગામી 4 જુલાઈ 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની આ 56 મહિલા સમરસ ગ્રામ પંચાયતોને ગામના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!