Modasa ના રાજપુર મંદિરે રામદેવજી નવરાત્રિ મહોત્સવ અને 30મો નેજા ઉત્સવ મનાવાયો

ભાદરવા સુદ એકમથી રામદેવજી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો થયો હતો. જ્યારે ગુરુવારે ભાદરવી નોમના દિવસે નેજા ઉત્સવ મનાવાયો હતો. મોડાસા તાલુકાના રાજપુર રામદેવજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને રામદેવજી મહારાજના નેજા ચઢાવવામાં આવ્યા હતા. દિવસભર હજારો શ્રદ્ધાળુઓ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.
મોડાસા તાલુકાના રાજપુર રામદેવજી મંદિર ખાતે રામદેવજી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે નોમના દિવસે 30 મો નેજા ઉત્સવ મનાવાયો હતો. દર વર્ષની જેમ હજારો શ્રદ્ધાળુઓ હાથમાં નેજા લઈ અબીલ-ગુલાલની છોળો ઉડાડતાં મંદિર પહોંચ્યા હતા. નેજા ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નવરંગી નેજાઓ સાથે ઉમટી પડતાં આ વિસ્તારના માર્ગો રીતસર ઉભરાયા હતા. રાજપુર મંદિરના અગ્રણી પનાભાઈ પટેલ સહિત સાથીઓ અને ગ્રામજનો અને યુવાનોએ આવનારા યાત્રાળુઓને આવકાર્યા હતા. આ પ્રસંગે હજારો ભક્તોએ નેજા ચઢાવી બાબાના દર્શન કરી પ્રભુ પ્રસાદ અને ભોજન લઈ ધન્યતા અનુભવી હતી. દિવસ દરમિયાન ભજન,રાસ-ગરબા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોડાસા તાલુકાના બાયલ ખાતે આવેલ પંચદેવ મંદિર ખાતે ભવ્ય નેજા ઉત્સવ મનાવાયો હતો. મંદિરના આદ્યસ્થાપક મહંત ચંદ્રવદન વ્યાસની સાતમી માસિક પુણ્યતિથિ અને નેજા ઉત્સવનો સંયોગ રહ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. મહેશભાઈ વ્યાસના હસ્તે સદગુરુ વંદના,જ્યોત પ્રાગટય,નેજા-ધ્વજા પૂજા સહિતના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.