Modasaમાંથી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી દારુ ઝડપાયો, 2 લોકોની કરાઈ ધરપકડ

રાજ્યમાં વધુ એક વખત દારુ ભરેલી કાર પકડાઈ છે. અરવલ્લીના મોડાસમાં દારુ ભરેલી કાર ઝડપાઈ છે. મોડાસામાંથી ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂની હેરાફેરી કરતા સમયે કોઈ તેને ઝડપીના પાડે તે હેતુથી શખ્સે બોલેરો ગાડી પર ગર્વમેન્ટ ઓફ ગુજરાતના લખાણનો ઉપયોગ કર્યો, જો કે LCBએ બાતમીના આધારે દારૂની હેરાફેરી ઝડપી પાડી અને દારૂના જથ્થા સાથે 2 યુવકની ધરપકડ કરી લીધી છે.
LCBએ બાતમીના આધારે દારુની હેરાફેરી ઝડપી પાડી
જણાવી દઈએ કે LCBને બાતમી મળી હતી, તે મુજબ સર્વોદય ડુંગરી વિસ્તારમાં બોલેરો કારને રોકી અને ત્યારબાદ ગાડીની તપાસ કરતા તેમાંથી 403 જેટલી વિદેશી દારુની બોટલો સાથે બે યુવકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે આ ગાડીનો ઉપયોગ સરકારી કોન્ટ્રાક્ટમાં કે સરકારી કર્મચારી કરતા હોવા અંગે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે કોન્ટ્રાક્ટ કે સરકારી કર્મી દ્વારા ગર્વમેન્ટ ઓફ ગુજરાત વાહન પર લખાણ લખાયું હતું કે કેમ એ પણ સવાલ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગર્વમેન્ટ ઓફ ગુજરાતના લખાણ વાળી ગાડીમાંથી મોડાસામાં ગૌમાંસની હેરાફેરી ઝડપાઈ હતી. ત્યારે હવે ગુનાહિત પ્રવૃતિઓ કરતા લોકો હવે પોલીસથી બચવા માટે ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખીને પોતાની ગાડીઓમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરી રહ્યા છે.
સુરતમાં લકઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી
બીજી તરફ સુરતમાં પણ કારમાંથી દારુ ઝડપી લેવાની ઘટના 8 એપ્રિલે સામે આવી હતી. સુરતમાં લકઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી અને વિદેશી દારૂ ભરેલી કાર પોલીસે જપ્ત કરી લીધી હતી. કારમાં દારુ માટે ખુફિયા બોક્સ બનાવાયા હતા. જેથી પોલીસના ચેકિંગ દરમિયાન પકડાઈ ના જવાય. જો કે તપાસ બાદ પોલીસે દારુ સાથે સુરેન્દ્ર ગુર્જરની ધરપકડ કરી લીધી હતી. આરોપી હરિયાણાથી દારૂ સુરત લાવ્યો હતો. જહાંગીરપુર પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.