Modasa: મે મહિનામાં બેથી ત્રણ વખત માવઠાની વકી

ઉનાળો પરાકાષ્ટાએ છે અને આકરી ગરમી પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી તો ઉત્તર ગુજરાતમાં સતત 40 ડિગ્રીને પાર મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યુ હોય લોકો કાળઝાળ ગરમીમાં તોબાહ પોકારી ઉઠયા છે. આ મહિનાના અંતમાં અને મે મહિનામાં હજુ આકરી ગરમી પડી શકે છે. બીજી તરફ આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે. પરિણામે ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને અમુક દિવસોમાં ગરમીનો પ્રકોપ પણ રહી શકે છે.
આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ હતી અને હોળીના સમયગાળાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમુક વખત મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો રહે છે. તે સિવાય આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી ગરમી સમગ્ર એપ્રિલ મહિનામાં પડી છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત મહત્તમ તાપમાન 40 ડિગ્રીને આંબી રહ્યુ છે. હજુ પણ આગામી દિવસોમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધી શકે છે અને ગરમીમાં વધારો નોંધાઈ શકે છે. રવિવારે ડીસામાં મહત્તમ તાપમાનનો પારો 42.3 ડિગ્રી નોંધાયો હતો. ગરમીના પ્રકોપના કારણે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. લોકોની અવરજવરથી ધમધમતા બજારોમાં પણ ભીડ ઘટી રહી છે. સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગ ઓકતી ગરમી પડી રહી છે. જો કે ચોમાસાને આડે હવે દોઢેક મહિનો બાકી છે. ત્યારે મે મહિનામાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ વર્ષે જે રીતે ઉનાળો સમસર શરૂ થયો હતો તેમ ચોમાસુ પણ નિયત સમયે અથવા તો તે પહેલાં જ શરૂ થઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે. જો કે ચોમાસુ મંડાય તે પહેલાં મે મહિનામાં મોટાભાગના દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. અમુક દિવસોમાં હીટવેવની પણ સ્થિતિ જોવા મળે તેવી વકી રહેલી છે.
ચોમાસુ નિયત સમયે શરૂ થઈ જવાની શક્યતાઓ
આઈએમડી અને હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે 103 ટકા વરસાદ થઈ શકશે તેવો પણ મત વ્યકત કરાયો છે. બીજી તરફ છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત શિયાળો કમોસમી વરસાદ વગર પસાર થો છે અને ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ બધા પરિબળો જોતાં આ વર્ષે ચોમાસુ નિયત સમયે 15 જૂન સુધીમાં શરૂ થઈ જવાની શક્યતાઓ છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો પ્રારંભ થતો હો છે અને અઠવાડિયામાં રાજ્યના વિવિધ વિભાગમાં વિધિવત ચોમાસુ શરૂ થતુ હોય છે. અમુક વખત ચોમાસામાં વિલંબ પણ થતો હોય છે અને તે પ્રમાણે ગયા વર્ષે 11 જૂને રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યુ હતુ અને આગામી તા. 27મી જૂન સુધીનો સમય રાજ્યમાં પ્રવેશ કરતાં લાગ્યો હતો.
એપ્રિલ મહિનામાં જળાશયોમાંથી 44.77 MCM પાણી ઘટયું
ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં હાલ 33.19 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉ.ગુ.ના તમામ જળાશયો પાણીની સંગ્રહ ક્ષમતા 1929.20 એમ.સી.એમની સામે હાલ 640.34 એમ.સી.એમ જથ્થો જળાશયોમાં છે. જો કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં 35.51 ટકા જથ્થો હતો અને 685.11 એમ.સી.એમ પાણી ઉપલબ્ધ હતું. એપ્રિલ મહિનામાં જ આ જથ્થો 44.77 એમ.સી.એમ ઘટયો છે. હજુ મે મહિનાની આકરી ગરમીમાં 50થી 55 એમ.સી.એમ જથ્થો ઘટી શકે છે. હાલ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 11.03 ટકા પાણીનો જથ્થો બનાસકાંઠા જિલ્લાના જળાશયોમાં છે. જ્યારે સાબરકાંઠા જિલ્લાના જળાશયોમાં 26.36 ટકા, મહેસાણાના જળાશયોમાં 43.65 ટકા અને અરવલ્લી જિલ્લાના જળાશયોમાં 45.45 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
લૂ લાગવાનાં લક્ષણો
શરીર અને માથાનો દુઃખાવો થવો
શરીરનું તાપમાન વધી જવું
ખુબજ તરસ લાષવી
ગરમ, લાલાશ અને શુષ્ક ત્વચા
ઉલ્ટી, ઉબકા થવા
આંખે અંધારા આવવા, ચક્કર આવવા
શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા વધી જવા
અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી, બેભાન થઈ જવું
લૂ લાગવાથી બચવાના ઉપાયો
ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું
શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા
ટોપી, ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો
ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને ભીના કપડાથી શરીર લુંછવું
સીધા સૂર્ય પ્રકાશથી બચવું, ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું
દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબતનો ઉપયોગ કરવો
બાળકો, સગર્ભા, વૃધ્ધો અને બીમાર વ્યક્તિઓએ તડકામાં કાળજી રાખવી
બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં
સામાજિક પ્રસંગે દૂધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખાવા નહીં
ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું
માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત તબીબની સલાહ લેવી