Aravalli: સમરસ બનેલી ગ્રામ પંચાયતને 10 લાખનું ઈનામ, બાયડના MLAની જાહેરાત

ગુજરાતમાં આગામી 22 જૂને 8326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે.જ્યારે 25 જૂને પરિણામ જાહેર કરાશે.સોમવારે બીજી જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે.3638 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે.9 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.10 જૂને ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે.11 જૂન ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે.ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિત લાગુ થશે. હવે આ ચૂંટણીને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
ધારાસભ્યના ફંડમાંથી 10 લાખ અપાશે
અરવલ્લી જિલ્લાના બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરી છે. ચૂંટણીઓ ટાળવા અને વિકાસને વેગ મળે તેમજ ગામના આંતરિક વિખવાદ ટાળવા તેમણે બાયડ માલપુર તાલુકાની જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સમરસ થયેલી ગ્રામ પંચાયતને ધારાસભ્યના ફંડમાંથી 10 લાખ અપાશે તેમજ ગ્રાન્ટ પણ અપાશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે કોઈ ધારાસભ્યએ 10 લાખના ઈનામની જાહેરાત કરી હોય તેવી આ પ્રથમ ઘટના માનવામાં આવે છે.
4688 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે
બીજી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે.4688 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજાશે. 22 જૂને સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 1.30 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 16500 મતદાન મથકો પર મતદાન યોજાશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 5115 સરપંચોની બેઠક પર મતદાન થશે. 28300 જેટલી મતપેટીઓનો ઉપયોગ થશે. આ ચૂંટણીમાં 12 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા 15 હજાર રખાઈ છે.જ્યારે 13 થી 22 વોર્ડ સુધી ખર્ચ મર્યાદા રૂપિયા 30 હજાર રખાઈ છે.22 વોર્ડથી ઉપર ખર્ચ મર્યાદા 45 હજાર રૂપિયા રહશે.