Gram Panchayat election: હળવદમાં ત્રણ પંચાયતો સમરસ બની, ત્રણેયમાં મહિલાઓને સુકાન સોંપાયું

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો. બીજી તરફ સમરસ થનારી ગ્રામ પંચાયતોની સંખ્યામાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં કૂલ ચાર ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. જ્યારે મોરબીના હળવદમાં 11માંથી ત્રણ પંચાયતો સમરસ બની છે. આ ત્રણેય ગ્રામ પંચાયતોનું સુકાન મહિલાને સોંપાયું છે.
હળવદમાં ત્રીજી ગ્રામ પંચાયતનું સુકાન મહિલાને સોંપાયું
મોરબીના હળવદમાં કૂલ 11માંથી ત્રણ ગ્રામ પંચાયતો સમરસ બની છે. આ ત્રણેય ગ્રામ પંચાયતોનું સુકાન મહિલાઓને સોંપવામાં આવ્યું છે. આ ગ્રામ પંચાયતોમાં સરપંચ, ઉપસરપંચ સહિત તમામ સદસ્યો મહિલાઓ છે. હળવદમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમાં નવા રાયસંગપુર ગામના સરપંચ તરીકે રસીલાબેન કણઝારીયા, નવા ઈશનપુરના સરપંચ તરીકે લાભુબેન પરમારને સોંપાયું છે.
હળવદમાં 11 માંથી 3 ગ્રામ પંચાયત સમરસ બની
હળવદમાં અત્યાર સુધીમાં નવાં રાયસંગપુર, નવાં ઈશનપુર અને રણછોડ ગઢ ગ્રામ પંચાયત સમરસ બની છે. જેમાં મહિલાઓને સુકાન સોંપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આવતીકાલે ફોર્મની ચકાસણી શરૂ થશે. ત્યાર બાદ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. આગામી 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાશે.