Aravalli: અત્યાર સુધીમાં બાયડ તાલુકાની ચાર ગ્રામ પંચાયતો સમરસ બની

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આગામી 22 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થતાં આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન છે.ફોર્મ ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો છે.લાંબા સમય બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાતા ગામડાઓમાં રાજકારણ ગરમાયું છે.આ દરમિયાન અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે. અત્યાર સુધી તાલુકાની ચાર ગ્રામ પંચાયતો સમરસ બની છે.
રૂપનગર, માનપુર, છાપરિયા અને ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ બની
અરવલ્લી જિલ્લામા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જે ગ્રામ પંચાયત સમરસ બને તેને 10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બાયડ તાલુકાની રૂપનગર, માનપુર, છાપરિયા અને ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે. ધારાસભ્યની આગેવાનીમાં તાલુકાની ચાર ગ્રામ પંચાયતો સમરસ બનતાં હવે ચારેય પંચાયતોને 10 લાખ લેખે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.
ચારેય ગ્રામ પંચાયતોને ધારાસભ્યનું 10 લાખનું ઈનામ મળશે
બીજી તરફ બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત આજે ધારાસભ્યની હાજરીમાં સમરસ જાહેર કરવામાં આવી છે. વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી છે. આ પંચાયતમાં કોકિલાબેન પરમારને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં છે. આગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સમરસ ગ્રામ પંચાયતને 10 લાખનું ઈનામ આપશે.