Gram Panchayat Election: બોટાદના ભીમડાદ ગામમાં પડતર પ્રશ્નો ઉકેલવાની લોકોની માગ

આગામી ગ્રામ પંચાયત ચૂંટણી 22 જૂનના રોજ યોજાવવાની છે, ત્યારે બોટાદ તાલુકાના ભીમડાદ ગામમાં ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ગામમાંથી પસાર થતાં માર્ગ અને મકાન વિભાગનો મુખ્ય ધોરી માર્ગ બિસ્માર હાલતમાં છે. બોટાદને જોડતો સાલૈયા જોટીંગડા રોડ તેમજ મેઘવડિયા તરફ જતો રસ્તો કેટલાય વર્ષોથી ખખડધજ બની ગયો છે. ત્યારે નવા ઉમેદવાર જીત મેળવી સૌપ્રથમ પંચાયત ઠરાવ કરી રોડ બનાવવા માગણી કરે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.
ગામમાં કુલ 6 આંગણવાડી કેન્દ્રો કાર્યરત
ભીમડાદ ગામના અનેક વિસ્તારોમાં રોડ બનાવવા માટે બ્લોક નાખી રસ્તા બનાવવામાં આવ્યા છે. જ્યારે અનેક વિસ્તારોમાં રોડની જરૂરિયાત છે. ભીમડાદ ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત 3 સરકારી અને એક ખાનગી શાળા આવેલી છે. શાળાના અભ્યાસ કાર્યથી ગામ લોકો સંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું છે. ગામમાં કુલ 6 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. અનેક નવા વિસ્તારો બન્યા છે, જ્યાં આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યા નથી, ત્યારે વસ્તીના ધોરણે હજુ બે ત્રણ આંગણવાડી બને તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ભીમડાદ ગામમાં સિંચાઈ માટે ભીમડાદ ડેમ આવેલો છે, આ ડેમ અને ગામોને સિંચાઈ માટે અને પીવાના પાણી માટે ઉપયોગી થાય તે માટે ડેમ ભરેલો હોય, ત્યારે આસપાસના અનેક ગામના ખેડૂતોને ગામ લોકોને કુવાના તળ અને બોર વેલ રિચાર્જ થઈ જાય છે. અવારનવાર સૌની યોજના અંતર્ગત આ ડેમને ભરવામાં આવતો હોય છે.
શું છે ગ્રામજનોની અપેક્ષા?
ગામમાં ઘરે ઘરે સ્વચ્છતા જાળવવા માટે કચરા કલેક્શન કરવા ગાડીઓ આવે છે, ત્યારે છેવડાના વિસ્તારોમાં કચરા કલેક્શનની ગાડીઓ ક્યારેક દેખા દે છે એવું પણ જાણવા મળી રહ્યું છે. ભીમડાદ ગામમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઈન અને જોડાણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારો આ સુવિધાથી વંચિત હોય આ વિસ્તારોમાં પણ ગટરની સુવિધાનું કામ પૂરું થાય તેવી નવા પંચાયત પ્રતિનિધિઓ પાસે ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે આગામી સરપંચ પંચાયત બોડી ચૂંટાઈને આવે તેની પાસે લોકો ગામના મૂળભૂત પ્રશ્નને હલ કરે અને વિકાસની કામગીરી કરે તેવી ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે.