Gram Panchayat election: સરપંચ પદના ઉમેદવારે મતદારોને મોટી લાલચ આપી

ગુજરાતમાં આગામી 22 જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા રાજ્યમાં કૂલ 751 પંચાયતો બિનહરીફ જાહેર કરાઈ છે. સામાન્ય રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પ્રલોભનો અપાતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ પ્રલોભનો અપાયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ડેમલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવારના સમર્થકનો આચાર સંહિતાનો ભંગ કરતો વીડિયો વાયરલ થયો છે.
સરપંચ પદના ઉમેદવાર અને તેમના પતિ સામે ફરિયાદ
પંચમહાલના શહેરાની ડેમલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ચૂંટણી લડી રહેલા ઉમેદવારના સમર્થકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ મતદારોને પ્રલોભનો અને લાલચ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંજૂરી વિના જાહેરસભા કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં TDOએ સરપંચ પદના ઉમેદવાર અને તેમના પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
મતદારોને પ્રલોભનો આપતો વીડિયો વાયરલ થયો
ડેમલી ગ્રામ પંચાયતના સરપંચના મહિલા ઉમેદવાર મંજુલાબેન રાજેશ ભરવાડના સમર્થક દ્વારા મતદારોને પ્રલોભનો આપતો વીડિયો વાયરલ થયો છે. મતદારોને કારજ પાણી માટે 5100,દીકરીના લગ્ન પ્રસંગમાં LED ટીવી અને કોઈપણ લગ્નપ્રસંગમાં અઢી મણનો કટો આપવાના વિવિધ પ્રલોભનો અને લોભામણી લાલચ આપતો વીડિયો વાયરલ થયો છે. ઉમેદવારે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર જાહેર સભા યોજી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર બાબતે શહેરા TDOએ સરપંચ પદના ઉમેદવાર મંજુલાબેન ભરવાડ અને તેમના પતિ રાજેશ ઉર્ફે લાલાભાઈ ભરવાડ સામે શહેરા પોલીસ મથકે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવી છે.