Gujarat By election: કડી અને વિસાવદરમાં આજે મતદાન, કોણ જીતશે ચૂંટણીનો જંગ?

ગુજરાતમાં આજે કડી અને વિસાવદર બેઠક માટે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. બંને બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પુરજોશમાં પ્રચાર કર્યો હતો. બંને બેઠકો પર આ પેટા ચૂંટણીમાં ચોપાંખિયો જંગ જામ્યો છે. વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે નિવેદન અને આક્ષેપ બાજી વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે કડીમાં ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. આજે બંને બેઠકો પર મતદાન યોજાવા જઈ રહ્યું છે.
બંને બેઠકો પર આ ઉમેદવારો વચ્ચે જંગ
કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે જંગ ખેલાશે. આ ઉપરાંત અપક્ષ અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ જંગમાં ઉતરશે. જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ જામશે. આજે સવારે આ બંને બેઠકો પર સવારે 7:00 વાગ્યાથી લઈને સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
કડીમાં કુલ 307 બુથ પર મતદાન થાય છે
કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર કુલ 307 બુથ પર મતદાન થાય છે.વર્ષ 2022ના આંકડા પ્રમાણે આ બેઠક પર 8 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.જેમાં મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવાર તરીકે ભાજપમાંથી કરસન સોલંકી, કોંગ્રેસમાંથી પ્રવિણ પરમાર અને આમ આદમી પાર્ટીમાંથી હરગોવન ડાભી મેદાનમાં ઉતર્યા હતાં. ભાજપના કરસન સોલંકીને 1,07,052 મત, કોંગ્રેસના પ્રવિણ પરમારને 78,858 મત, જ્યારે આપના હરગોવન ડાભીને 7,253 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના કરસન સોલંકીનો વિજય થયો હતો. પરંતુ તેમનું નિધન થયા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેમાં આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને તેનું મતદાન થવાનું છે.
વિસાવદરમાં વર્ષ 2022માં શું હતી સ્થિતિ?
વિસાવદર બેઠક પર વર્ષ 2022 દરમિયાન કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.આ બેઠક પર કોંગ્રેસના કરશન વડોદરિયાને 16,969 મત મળ્યા હતા, ભાજપના હર્ષદ રીબડિયાએ 59,147 મત મળ્યા હતાં. જ્યારે આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી 66,210 મત સાથે વિજેતા બન્યા હતા.ધારાસભ્ય ભુપત ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી અને ભાજપનો ખેસ પહેરતાં આ બેઠક પર આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. બુથ અંગે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને હાશકારો આપે એવી એક વાત એ જરૂર છે કે 300 કરતાં વધારે મત મળ્યા હોય એવા બૂથની સૌથી વધુ સંખ્યા આપ પાસે છે. આ સંખ્યા 58 છે, જેની સરખામણીએ કોંગ્રેસ પાસે એક જ એવો બૂથ છે કે જેમાંથી 300 કરતાં વધારે મત વર્ષ 2022 દરમિયાન મળ્યા હતા. જ્યારે ભાજપ પાસે આવા બૂથની સંખ્યા 39 છે.
કડી વિધાનસભાનું જાતિગત સમીકરણ
- પાટીદાર સમાજ – 31 ટકા
- ઠાકોર સમાજ – 30 ટકા
- દલિત સમાજ – 12.5 ટકા
- લઘુમતી સમાજ – 9 ટકા
- રબારી સમાજ – 4 ટકા
- બ્રાહ્મણ સમાજ – 2 ટકા
- ક્ષત્રિય સમાજ – 4 ટકા
- પ્રજાપતિ સમાજ – 4 ટકા
- રાવળ સમાજ – 4 ટકા
વિસાવદર વિધાનસભાનું જાતિગત સમીકરણ
- પાટીદાર સમાજ – અંદાજે 1 લાખ
- આહિર સમાજ – અંદાજે 8 હજાર
- લઘુમતી સમાજ – અંદાજે 7 હજાર
- પ્રજાપતિ સમાજ – અંદાજે 7 હજાર
- ક્ષત્રિય સમાજ અંદાજે 8 હજાર 500
- અન્ય સમાજ – અંદાજે 42 હજાર