Gram Panchayat-Election: જસદણના આટકોટ ગામમાં બે જૂથ વચ્ચે બોગસ મતદાનને લઈ બબાલ

આજે રાજ્યની 3500થી વધુ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાઈ છે અને કેટલીક પંચાયતોમાં પેટા ચૂંટણી પણ યોજાઈ છે. ત્યારે રાજકોટના જસદણના આટકોટ ગામમાં પટલા હાઉસ હાઈસ્કુલમાં બુથ નંબર 4 પર બોગસ મતદાનને લઈને ઉમેદવારોના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ છે. ગામમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ છે. ઉમેદવાર બુધાભાઈ ખોખરીયાનું નિશાન ઈસ્ત્રી છે અને અન્ય ઉમેદવાર કાનાભાઈ ખોખરીયાનું નિશાન ટાયર છ, ત્યારે બુધાભાઈ ખોખરીયા અને કાનાભાઈ ખોખરીયા ઉમેદવાર હોય અને તેમના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોય તેવી શંકા જતા બંને ઉમેદવારાના કાર્યકરો સામ સામે બાખડ્યા છે.
બુથ નંબર 4 પર બોગસ મતદાનને લઈ માથાકૂટ
આટકોટના અંબાજી રોડ પર આવેલી પટલા હાઉસ હાઈસ્કૂલ ખાતે બોગસ મતદાન થઈ રહ્યું છે તેવી જાણ થતાં બંને પક્ષના કાર્યકરો સામ સામે આવી ગયા છે. જો કે ઘટનાની જાણ થતાં તાત્કાલિક આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાંકળિયા ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. તમને જણાવી દઈએ કે રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બપોરે 2 વાગ્યા સુધી સરેરાશ 38 ટકા મતદાન થયું છે. ત્યારે સામાન્ય ચૂંટણીમાં 35.12% મતદાન, પેટાચૂંટણીમાં 42.76% મતદાન નોંધાયું છે. જ્યારે જેતપુર તાલુકામાં સૌથી વધુ 55% મતદાન નોંધાયું છે અને ધોરાજી તાલુકામાં સૌથી ઓછું 25% મતદાન નોંધાયું છે. સામાન્ય કરતાં પેટાચૂંટણીમાં વધુ મતદાન જોવા મળી રહ્યું છે. જો કે બપોર બાદ મતદારોના ઉત્સાહમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં 64 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો છે. જિલ્લાની 64 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અને 243 પંચાયતમાં પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં સરપંચ પદ માટે 107 ઉમેદવાર અને સભ્ય પદ માટે 588 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. 1.26 લાખ મતદારો આ તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જિલ્લામાં 25 બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.