Surat News: ઓલપાડ તાલુકાના કછોલ ગામે આઝાદી બાદ પ્રથમવાર મતદાનનું આયોજન

આજે સુરત જિલ્લાના 62 ગ્રામ પંચાયતોમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ઓલપાડ તાલુકાના કછોલ ગામે આઝાદી બાદ પહેલી વાર મતદાન યોજાયુ છે. ચાર વર્ષ પહેલા કાછોલ, કાસલા અને બજરંગપુરનું વિભાજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કાછોલને અલગ કરવામાં આવ્યું હતું. અને આજે આ ગામમાં 700 લોકોની વસ્તી ધરાવે છે. 700 લોકોની વસ્તી વચ્ચે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. અને વરસાદી માહોલમાં પણ મતદાનની ફરજ તેઓ ચુકી નથી રહ્યાં.
ઓલપાડના કછોલ ગામે પ્રથમવાર મતદાન
સુરતમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લાના 09 તાલુકામાં કુલ 62 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 17 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન હાથ ધરાયુ છે. જયારે 13 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. સવારે 7 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. પોલીસ અધિકારીઓ ખડે પગે રહી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત ગોઠવ્યો છે.
બેલેટ પેપરનો ઉપયોગ
સુરત જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVMનો ઉપયોગ નથી કરાયો. આ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની શાસન વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.