બ્રેકીંગ ન્યુઝ

Gujarat Byelection: વિસાવદરમાં AAP-કોંગ્રેસે ભાજપના મત તોડ્યા, જાણો ક્યાં પડ્યો ફટકો?


ગુજરાતમાં વિસાવદર અને કડી બેઠક પર યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું છે. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો વિજય થયો છે. ગુજરાતમાં ભાજપની રેકોર્ડ બ્રેક બહુમતિ વાળી ભાજપની સરકાર હોવા છતાં વિસાવદરમાં લોકોએ કેમ આમ આદમી પાર્ટીને જીતાડી તેવી અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ બેઠક પર ભાજપને મોટુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

જવાહર ચાવડા અને આહિર સમાજની નારાજગી ભાજપને ભારે પડી

ગુજરાતમાં સામાન્ય રીતે જોઈએ તો, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસના મતને નુકસાન થતું હોય છે. પરંતુ આ વખતે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપના મતોને નુકસાન પહોંચાડ્યું છે. આ બેઠક પર જિલ્લા પંચાયતની ડુંગરપુર, વડાલ અને ચુડા સીટ પર ભાજપને નુકસાન પહોંચ્યું છે. ભાજપને કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને આહીર સમાજની નારાજગી ભારે પડી છે. આ નારાજગીને કારણે ભાજપને 14 હજાર કરતાં વધુ મતોનું નુકસાન પહોંચ્યું છે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો 17581 મતોથી વિજય થયો છે. ગોપાલ ઈટાલિયાને 75906 મત મળ્યા છે. જ્યારે ભાજપના કિરીટ પટેલને 58325 મત મળ્યા છે. કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5491 મત મળ્યા છે. અહીં કુલ મતના 51 ટકા મત ગોપાલ ઈટાલિયાને મળ્યાં છે.

ગત ચૂંટણીમાં ભૂપત ભાયાણીનો વિજય થયો હતો

વિસાવદરમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. ત્યાર બાદ તેમણે રાજીનામું આપ્યું હતું અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ બેઠકનો મુદ્દો છેક હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ પેટા ચૂંટણી જાહેર થઈ અને ભાજપે સહકારી આગેવાન કિરીટ પટેલને ટિકીટ આપી હતી. બીજી બાજુ આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતાં. ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જબરદસ્ત નિવેદન અને આક્ષેપબાજી થઈ હતી. આ વચ્ચે ચૂંટણીમાં પણ ભારે રસાકસીનો માહોલ જામ્યો હતો. પરંતુ અહીં કોંગ્રેસનું ક્યાંય નામ ચર્ચામાં જણાયું નહોતુ.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!