Modasa:શહેરમાં 4ઈંચ, ગ્રામ્યમાં 7થી8 ઈંચ વરસાદ

યલો એલર્ટ વચ્ચે અરવલ્લીમાં મંગળવાર સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં મોડાસા પંથકના ગ્રામ્યવિસ્તારોમાં અતિભારે વરસાદ પડતાં લોકોની હાલત કફોડી બની હતી. મોડાસાના દધાલિયા, મોતીપુરા સહિતના વિસ્તારોમાં 7 થી 8 ઈંચ વરસાદ તૂટી પડતાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને અવરજવર માટે માર્ગ પણ બંધ થઈ જતાં લોકોને ભારે હાલાકીઓ ભોગવવાનો વારો આવ્યો હતો. જિલ્લામાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં મંગળવાર સવારથી કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સૌથી વધુ વરસાદ મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી પડયો હતો. તાલુકાના દધાલિયા, મોતીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં જાણે આભ ફાટયુ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. દધાલિયા ગામના બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે મોતીપુરા ગામ આખુ બેટમાં ફેરવાઈ ગયુ હતું. કેનાલ તૂટી જતાં વરસાદી પાણી ગામમાં ફરી વળ્યા હતા અને 200 જેટલાં મકાન બેટમાં ફેરવાઈ ગયાં હતાં. માત્ર ચાર કલાકમાં આ વિસ્તારમાં 7 થી 8 ઈંચ વરસાદ તૂટી પડતાં જનજીવનને અસર થઈ હતી. મોડાસા શહેમાં પણ માત્ર ચાર કલાકના સમયગાળામાં ચાર ઈંચ વરસાદ તૂટી પડતાં ચાર રસ્તા, મેઘરજ રોડ સહિતના વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં માઝુમ ડેમમાં પાણીની આવક થઈ હતી અને રૂલ લેવલ સપાટી જાળવી રાખવા મંગળવારે સાંજે ડેમમાંથી પાંચ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. દધાલિયા ગામના મુખ્ય બજારમાં પાર્ક કરેલ બે કાર અને બે બાઈક તણાયાં હતાં.
* તાલુકાના દધાલિયા, મોતીપુરા સહિતના સમગ્ર વિસ્તારો ભારે વરસાદથી બેટમાં ફેરવાઈ ગયા
* મોતીપુરા પંથકમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, અવરજવર માટે રસ્તો બંધ
* માઝુમ ડેમમાં પાણીની આવક વધી, 5 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું
* ભારે વરસાદના પગલે દધાલિયા ગામની બજારમાં પાર્ક કરેલી બે કાર, બે બાઈક તણાયા
અરવલ્લી જિલ્લામાં નોંધાયેલ વરસાદ
તાલુકા પ્રમાણે વરસાદ : મોડાસા – 98,મેઘરજ – 40, માલપુર – 21, ધનસુરા – 06, બાયડ – 02, ભિલોડા – 02