Gram Panchayat election: વિધાનસભામાં મત આપ્યો પણ પંચાયતની ચૂંટણીમાં યાદીમાંથી નામ ગાયબ

ગુજરાતમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાક મતદારો તમામ પુરાવા હોવા છતાં મતદાનથી વંચિત રહ્યાં છે. મતદાર યાદીમાં નાયબ ગાયબ હોવાથી કેટલાક મતદારો મતદાન કરી શક્યા નથી. વડોદરા જિલ્લાના દશરથ ગામમાં મતદાર યાદીમાંથી મતદારોના નામ ગાયબ થતાં રોષ ફેલાયો હતો. દશરથ ગામમાં રહેતા કેટલાક મતદારોના નામ નંદેસરીના મતદાન કેન્દ્રમા નોંધાયા હતાં.
યાદીમાંથી નામ ગાયબ થતાં મતદારોને મત આપવા નહોતો મળ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે. આ દરમિયાન જિલ્લાના દશરથ ગામમાં મત આપવા માટે આવેલા મતદારોને નિરાશ થવાનો વારો આવ્યો હતો. કેટલાક મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ હતાં. દશરથગામમાં રહેતા મતદારોના નામ નંદેસરી મતદાન કેન્દ્રમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં મતદારોને મત આપવા નહોતો મળ્યો. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.
તમામ પુરાવા હોવા છતાં મતદાન ના કરી શક્યા
દશરથગામમાં રહેતા કેટલાક મતદારો પાસે ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ બધું જ હોવા છતાં તેઓ મતદાન કરી શક્યા નહોતા. તંત્રની ગંભીર ભૂલને કારણે મતદાતાઓ તેમના અધિકારથી વંચિત રહ્યા હતાં. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં મત આપ્યો હતો પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાંથી નામ જ ગાયબ થઈ ગયુ હતું. ગામમાં અનેક સમસ્યાઓ હોવાથી તેનો અંત લાવવા માટે તેઓ મત આપવા માટે આવ્યા હતાં. મતદાન કરવા માટે આવ્યા ત્યારે ખબર પડી હતી કે, યાદીમાં તેમનું નામ જ નથી. મત નહીં આપી શકતાં લોકોમાં રોષ ફેલાયો હતો.