Gram Panchayat election: ભાવનગરમાં વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન થયાનો આક્ષેપ

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની વચ્ચે મતદારો મતદાન કરવા લાઈનમાં ઉભા રહ્યાં છે. ત્યારે ભાવનગરમાં બોગસ મતદાન થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો થયો હતો. વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બોગસ મતદાન કરવા માટે આવેલા શખ્સને લોકોએ ઝડપ્યો હતો.
બોગસ મતદાન કરવા માટે આવેલા શખ્સને લોકોએ ઝડપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરના ફરિયાદકા ગામમાં વિદેશમાં રહેતા વ્યક્તિના નામે બોગસ મતદાન થયું હોવાનો આક્ષેપ થતાં હોબાળો થયો હતો. બોગસ મતદાન કરવા માટે આવેલા શખ્સને લોકોએ ઝડપી પાડ્યો હતો. હોબાળો થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, બે ભાઈ પૈકી એક ભાઈ વિદેશમાં રહે છે અને ક્રમાંક નંબર આગળ પાછળ હોવાથી ગેરસમજ થઈ હતી.
આક્ષેપ થતાં વરતેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી
ફરિયાદકા ગામમાં વિદેશ ગયેલા વ્યક્તિના નામે બોગસ મતદાન કરવા જતા શખ્સને ત્યાં હાજર લોકોએ ખુલ્લો પાડ્યો હતો. મતદાન મથકની બહાર જ બોગસ મતદાનના નામે આક્ષેપ થતાં વરતેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બોગસ મતદાન કરવા જતાં વ્યક્તિ સાથે થયેલા હોબાળાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસનું કહેવું છે કે, બંને ભાઈઓ પૈકી એક વ્યક્તિ વિદેશમાં રહે છે. ક્રમાંક નંબર આગળ પાછળ હોવાથી ગેરસમજ ઉભી થઈ હતી. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.