ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેજે નહિતર તારા મોઢા પર એસિડ ફેંકાવીશ : પતિ-સાસરિયા સામે ત્રાસની ફરિયાદ

ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેજે નહિતર તારા મોઢા પર એસિડ ફેંકાવીશ : પતિ-સાસરિયા સામે ત્રાસની ફરિયાદ
Crime | Rajkot | 31 August, 2024 | 04:29 PM
પતિ મારકૂટ કરતા, સાસરિયા ઝઘડો કરતા અગાઉ પરિણીતાએ હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કરેલો
રાજકોટ, તા.31
રાજકોટ માવતરે રહેતી પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ નિર્મળદાન વિનોદભાઈ બાટી, સાસુ નિરૂબા, સસરા વિનોદભાઈ રામદાન સામે દુ:ખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પરિણીતા કૃપાબા નિર્મળદાન બાટ્ટી (ઉ.વ.25, રહે. 8 શક્તિકૃપા, લક્ષ્મીજી પાર્ક ન્યુ મહાવીરપાર્ક સામે ગાંધીગ્રામ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી મારા માતા પિતા સાથે રહું છું. મારા લગ્ન ગઈ તા.31/01/2019 ના અમદાવાદમાં રહેતા વિનોદભાઇ બાટ્ટીના દિકરા નિર્મળદાન સાથે થયેલ. લગ્નના બીજા દિવસે મારા સસરાને એટેક આવેલ હોય અને હોસ્પિટલમાં એડમીટ હોય જેથી મારે રસોઈ બનાવી ટીફીન મોકલવાનું હોય.
જે બાબતે બીજા દિવસથી જ મારા નણંદ સ્વીટી મારી સાથે ઝઘડો કરવા લાગેલ. સાસુ અને નંણદ મને ઘરેથી મારા મમ્મી પપ્પા અને સંબંધીઓ સાથે ફોનમાં વાતચીત કરવાની પણ ના પાડતા. આ વાત પતિને કરી તો તેને ઉશ્કેરાઇ જઇ મને મારકુટ કરેલ. મારા નાની અમદાવાદ મારા માસીના ઘરે રોકાવા આવતા મેં તેને મારા ઘરે આવવા કહ્યું હતું.
સાસુ, સસરા, નણંદ અને મારા પતિએ મારી સાથે ઝઘડો કરી અમને પુછયા વગર તે તારા નાનીને કેમ ઘરે બોલાવ્યા તેમ કહીં ઝઘડો કરેલ. ને ધક્કો મારેલ ત્યારે મને મ થામાં વાગેલ હતુ. ત્યારે મે દવાખાનામાં પ્રાથમીક સારવાર લીધેલ હતી. અને ત્યારે મારે મારા નણંદ વિરૂધ્ધ ફરીયાદ કરવી હતી પણ મારા પતિએ અને સાસુએ ધમકી આપેલ કે જો તુ સ્વીટી વિરૂધ્ધ ફરીયાદ કરીશ તો તને કાયમ માટે તારા મમ્મી -પપ્પાને ઘરે મોકલી દેવામાં આવશે.
મારા માતા પિતા સાસરિયામાં સમજાવવા આવતા મારા મમ્મી સાથે પણ ઝઘડો કરેલ અને મને અને મારા મમ્મીને ધક્કા મારી ઘરમાંથી બહાર કાઢી મુકેલ. તમારી દિકરીને નથી રાખવી તમે બંને જતા રહો તેમ કહેતા અમે બન્ને રાજકોટ આવી ગયેલ હતા. સમાધાન બાદ હું પરત સાસરે ગઈ હતી. મારા માતા પિતા અમદાવાદ રહેવા આવ્યા ત્યારે ત્યાં જવાની મને ના પાડી દીધી હતી.
મારા પતિએ મને આપેલ બે હજાર રૂપિયાની નોટ ખોવાઇ જતા મારા પતિએ મારી સાથે ખુબ જ ઝઘડો કરી મારૂ ગળુ દબાવી હવે તારી કંઈ જરૂર નથી હાલ અત્યારે જ હું તને તારા મમ્મી પપ્પાના ઘરે મુકી જાઉ છુ તેમ કહી મને મારા મમ્મી પપ્પાના ઘરે મુકી ગયેલ હતા. પરત સમાધાન થતા હું સાસરિયામાં રહેવા ગયેલ ત્યાં એક દિવસ પતિએ મારા માસીના દિકરા ભાઇનો ફોન આવેલ જે બાબતે મારા પતિએ મારા ઉપર શંકા કરી મારી સાથે ઝઘડો કરેલ અને મને પટ્ટાથી માર મારેલ.
મેં નસ કાપી આપઘાત પ્રયાસ કર્યો હતો. પછી મને માવતર મૂકી ગયા હતા. ભરણપોષણનો કેસ કરતા કેસ પાછો ખેંચવા ધમકી આપેલી. મેં પરત સુરત ખાતે અભ્યાસ શરુ કરતા ત્યાં પતિ પીછો કરતો. વોટ્સએપ કોલ કરી સમાજમાં બદનામ કરવા ધમકી આપી અને મને કાફેમાં મળવા બોલાવી કેસ પરત ખેંચવા ધમકી આપી નહિતર એસિડ ફેકાવીશ તેવી ધમકી આપેલ.
અને મારા કરિયાવરના દાગીના ગીરવે મૂકી દીધાનું કહ્યું હતું. ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી ફોટા વાઈરલ કર્યા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.