PM Modi Speech: મહિલા સુરક્ષા મામલે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર પ્રધાનમંત્રીના પ્રહાર

પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલા પણ બંગાળમાં રાજકીય ઉથલપાથલ તીવ્ર બની છે. વિપક્ષી પાર્ટી ભાજપ સતત મમતા સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી બંગાળના પ્રવાસે છે. દુર્ગાપુરમાં જાહેર સભાને સંબોધતા તેમણે મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સ્થળાંતર, બેરોજગારી, મહિલાઓની સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓ પર મમતા સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે.
પ્રાથમિક જરુરિયાતો પૂર્ણ નથીઃ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ શ્રાવણનો પવિત્ર મહિનો છે. આવા પવિત્ર સમયમાં મને પશ્ચિમ બંગાળના વિકાસ મહોત્સવમાં ભાગ લેવાની તક મળી છે. સરકારી કાર્યક્રમમાં 5,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ માટે મોટા સપના જોયા છે. ભાજપ સમૃદ્ધ પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે. ભાજપ વિકસિત પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે. આ બધા પ્રોજેક્ટ્સ આ સ્વપ્નને સાકાર કરવા માટેના અમારા નમ્ર પ્રયાસો છે. પીએમે વધુમાં કહ્યું કે, આ દેશના પ્રથમ ઉદ્યોગ પ્રધાન ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિ છે. તેમણે ભારતના ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો. તેમણે દેશને તેની પ્રથમ ઔદ્યોગિક નીતિ આપી. આ બી.સી. રોય જેવા સ્વપ્નદ્રષ્ટા નેતાઓની ભૂમિ છે. જેમણે મોટા સપના અને સંકલ્પો માટે દુર્ગાપુર પસંદ કર્યું. પશ્ચિમ બંગાળે દેશને દ્વારકાનાથ ટાગોર જેવા સુધારકો આપ્યા, જેમણે ગુલામીના સમયગાળા દરમિયાન બેંકિંગ સુધારાઓ પર કામ કર્યું છે.
ઉદ્યોગોની સ્થિતિ દયનીયઃ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, દુર્ગાપુર, બર્ધમાન અને આસનસોલનો સમગ્ર પ્રદેશ ભારતના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો હતો. પરંતુ આજે, અહીં નવા ઉદ્યોગો સ્થાપિત થવાને બદલે, હાલના ઉદ્યોગોને પણ તાળા મારી દેવામાં આવી રહ્યા છે. આપણે બંગાળને આ સમગ્ર તબક્કામાંથી બહાર કાઢવાનું છે. આજે અહીં શરૂ થયેલા પ્રોજેક્ટ્સ આ દિશામાં અમારા પ્રયાસો છે. બંગાળ પરિવર્તન ઇચ્છે છે. બંગાળ વિકાસ ઇચ્છે છે. બંગાળ ઉત્થાન ઇચ્છે છે.