Gandhinagar: મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો વિધાનસભા પાસે રાજકીય ડ્રામા, અધ્યક્ષને મળવાનો પાસ પણ નથી કઢાવ્યો

ગુજરાતમા ચેલેન્જની રાજનીતિ વઘુ ગરમ થઈ છે. ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું છે. પહેલા કોણ રાજીનામું આપશે તેની લડાઈ શરૂ થઈ છે. વિધાનસભામાં પ્રવેશ માટે બંનેમાંથી એક પણ ધારાસભ્યએ પાસ કઢાવ્યો નથી. આ ઉપરાંત અધ્યક્ષને મળવા માટેનો પણ પાસ નથી કઢાવ્યો. કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે વિધાનસભા પાસે ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ રહ્યાં છે.
કાંતિ અમૃતિયાનો રાજકીય ડ્રામા
ગાંધીનગરમાં રાજકીય સ્ટંટ જબરદસ્ત જામ્યો છે. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પાસે શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ચેલેન્જ સ્વીકાર્યા બાદ પણ દેખાયા નથી. આ ડ્રામા વચ્ચે અનેક સવાલો સામે આવ્યાં છે. લોકોના કામો કરવાની જગ્યાએ ધારાસભ્યો ચેલેન્જની રાજનીતિ કેમ રમી રહ્યાં છે. વિધાનસભા પરિસરમાં કોની મંજૂરીથી કાર્યકરો પ્રવેશ્યા છે. શા માટે આ ધારાસભ્યો જનતાના પૈસાનું પાણી કરી રહ્યાં છે.
બે કેબિનેટ મંત્રીઓએ આ મુદ્દે મૌન પાળ્યું હતું
બીજી તરફ રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓએ આ મુદ્દે મૌન પાળ્યું હતું. આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ ચેલેન્જની વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલે છે. રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃતિયાને શિખામણ આપવા અંગે તેઓ મૌન રહ્યાં હતાં. આ ઉપરાંત ગઈ કાલે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ કહ્યું હતું કે, રાજકીય પાર્ટીના આગેવાનોએ સાચવીને નિવેદન આપવું જોઈએ.