Morbi News: ગોપાલ ઈટાલિયાને બે કરોડની ચેલેન્જ આપનારા કાંતિ અમૃતિયાની ગાડીના ઈ મેમો બાકી બોલે છે

ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિનો આજે વિધાનસભા બહાર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતાં અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગોપાલ ઈટાલિયા રાજીનામું આપવા આવે તેવી તેમણે ચેલેન્જ આપી હતી. જો ગોપાલ ઈટાલિયા મોરબીથી ચૂંટણી જીતે તો બે કરોડ રૂપિયા આપવાની કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી હતી. બીજી તરફ ગોપાલ ઈટાલિયાને બે કરોડની ચેલેન્જ આપનારા કાંતિ અમૃતિયા ગાડીના ઈ મેમો બાકી હોવાના ફોટો વાયરલ થયાં છે.
કાંતિ અમૃતિયાની ગાડીના ઈ મેમો બાકી
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને મોરબીમાંથી ચૂંટણી જીતે તો બે કરોડની ઓફર કરનારા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ગાડીના ચાર હજાર રૂપિયાના ઈ મેમો બાકી હોવાના ફોટો વાયરલ થયા છે. 2024માં એક હજાર અને 2025માં ત્રણ હજાર રૂપિયાના ઈ મેમો બાકી બોલી રહ્યાં છે. કાંતિ અમૃતિયાને ફૂલ સ્પીડમાં વાહન ચલાવવા માટે આ ઈમેમો મળ્યા છે. સામાન્ય માણસને મળતા ઈ મેમો અંગે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ધારાસભ્યને મળેલા ઈ મેમો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બે વર્ષથી બાકી બોલતા ઈ મેમોથી સાબિત થાય છે કે સામાન્ય માણસને જ દંડ ચૂકવવા કાયદો છે. ધારાસભ્યને કોઈ કાયદો નડતો નથી.
કાંતિ અમૃતિયાનો ગાંધીનગરમાં હાઈવોલ્ટેજ ડ્રામા
કાંતિ અમૃતિયાએ આજે વિધાનસભા બહાર પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમણે ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવા ચેલેન્જ આપી હોવાથી તેઓ આજે રાજીનામું આપવા ગાંધીનગર પહોંચ્યા હતાં. થોડી વાર માટે હલ્લાબોલ કરીને તેઓ ત્યાંથી રવાના થયા હતાં. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે, મારા કાર્યકર્તાઓના કહેવાથી મેં ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી. તેમને હજુ સમય આપવા તૈયાર છું. તેઓ શપથ લે પછી રાજીનામું આપે. મોરબીમાં ચૂંટણી લડવા ગોપાલ આવે કે કોઈપણ આવે મને કોઈ વાંધો નથી.