Gujarat News: ગાંધીનગર વટ માટે જવાનું છે રાજીનામું નથી આપવાનું, કાંતિ અમૃતિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ

ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ જામી હતી. આજે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતાં. વિધાનસભા પાસે શક્તિ પ્રદર્શન કરી ગોપાલ ઈટાલિયા આવે તેની રાહ જોઈ હતી. ત્યાર બાદ તેઓ રાજીનામું આપ્યા વિના જ રવાના થઈ ગયા હતાં.આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કાંતિ અમૃતિયા બરાબર ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજીનામું નથી આપવાનું એવું કહેતા હોય તેવી તેમની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે.
કાંતિ અમૃતિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં તેઓ રાજુભાઈ નામના વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યાં છે. બંને વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ હાલમાં વાયરલ થઈ રહી છે. કાંતિ અમૃતિયા રાજુભાઈને કહે છે તમારુ સાંભળ્યું એકદમ ટકાટક. રોડનું એગ્રિમેન્ટ કરવાનું છે. 12 કરોડમાં કામ આપણે પૂરૂ કરવાનું છે. સામે રાજુભાઈ કાંતિ અમૃતિયાને કહી રહ્યા છે કે, તમારો જશ એ લઈ જાય માટે મારે બનાવવુ પડ્યું છે. કાંતિ અમૃતિયા રાજુભાઈને કહે છે કે, આપણે ખાલી વટ માટે જવાનું છે. રાજીનામું સાચે જ નથી આપવાનું. તમારે જેટલા થાય એટલા લોકોએ આવવાનું છે અને બીજા લોકોને પણ મોકલજો. સામે રાજુભાઈ કહે છે કે, અમે તમારી સાથે છીએ. સંદેશ ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટી નથી કરતુ.
બાકી રહેલા ટ્રાફિક મેમોના ફોટો વાયરલ થયા
આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ તે પહેલા કાંતિ અમૃતિયાની કારનો ટ્રાફિક મેમો બાકી હોવાના ફોટો વાયરલ થયા હતાં. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ગાડીના ચાર હજાર રૂપિયાના ઈ મેમો બાકી હોવાના ફોટો વાયરલ થયા છે. 2024માં એક હજાર અને 2025માં ત્રણ હજાર રૂપિયાના ઈ મેમો બાકી બોલી રહ્યાં છે. કાંતિ અમૃતિયાને ફૂલ સ્પીડમાં વાહન ચલાવવા માટે આ ઈમેમો મળ્યા છે. સામાન્ય માણસને મળતા ઈ મેમો અંગે કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ધારાસભ્યને મળેલા ઈ મેમો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બે વર્ષથી બાકી બોલતા ઈ મેમોથી સાબિત થાય છે કે સામાન્ય માણસને જ દંડ ચૂકવવા કાયદો છે. ધારાસભ્યને કોઈ કાયદો નડતો નથી.