મનપાની સેવાઓ ધોવાઇ ગઇ: 6 દિવસમાં 8556 ફરિયાદોનો ઢગલો

40 ટકા રાવ ડ્રેનેજ શાખાની: 3307 પૈકીની 1002, ચોકઅપ, 1875 ઓવરફ્લો, કુંડી છલકાવવાની ફરિયાદો નોંધાઇ
મનપાની સેવાઓ ધોવાઇ ગઇ: 6 દિવસમાં 8556 ફરિયાદોનો ઢગલો
Local | Rajkot | 31 August, 2024 | 04:07 PM
કોલ સેન્ટરમાં ખુલતી પોલ: 342 વૃક્ષ પડી ગયા: રસ્તા પર પાણીના વહ્યા પુર: સફાઇમાં ધાંધીયા: દુષિત પાણી પણ લાઇનમાંથી ચાલુ!
રાજકોટ, તા.31
રાજકોટમાં ચાલુ વર્ષે મેઘરાજાની ભારે પ્રતિક્ષા બાદ સાતમ-આઠમના તહેવારમાં કુદરતે એક સાથે મહેર વરસાવી દેતા જન્માષ્ટમીના પર્વની લોકોએ ઘરમાં બેસીને ઉજવણી કરવી પડી હતી. રવિવારથી શરૂ થયેલી મેઘસવારી ગુરૂવાર સુધી ચાલુ રહી હતી. મનપા, વિજ, પોલીસ સહિતના તંત્રો ચાર દિવસ ઉંધે માથે થઇ ગયા હતા. તેમાં ખાસ કરીને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પુરી પાડવામાં આવતી પ્રાથમિક સેવાઓ ખુબ પ્રભાવિત થઇ છે. તા.25 (સાતમ)થી તા.30 સુધીના 6 દિવસમાં મ્યુનિ. કોર્પોરેશનના માત્ર કોલ સેન્ટરમાં 8500થી વધુ ફરિયાદોનો ઢગલો લોકોએ કર્યો હતો. જે પૈકી પાંચ હજારથી વધુ ફરિયાદો હજુ પેન્ડીંગ બોલે છે.
મનપાના ચોપડે નોંધાયેલી કુલ ફરિયાદમાં 40 ટકા જ જેટલી ફરિયાદો માત્ર ભુગર્ભ ગટર શાખાને લગતી છે. તો સાથોસાથ દુષિત પાણી, રસ્તા પર પાણી ભરાવવા અને ખાડા, વૃક્ષો પડવા, સ્ટ્રીટ લાઇટ બંધ થવા સહિતની મુખ્ય ફરિયાદો પણ સામેલ છે.કોર્પોરેશનની લોક ફરિયાદ સાંભળવાની કોલ સેન્ટરની સેવા (0281-2450077) શ્રેષ્ઠ માધ્યમ છે. આ કોલ સેન્ટરમાં તા.25થી 30-8 દરમ્યાન 8556 ફરિયાદ નોંધાયેલ હતી. આ પૈકી 3403 ફરિયાદ ઉકેલાઇ છે. તો 5153 ફરિયાદો હજુ ઓપન રહી છે. શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં હજુ સેલર અને ડ્રેનેજ લાઇનના પાણી ઉભરાઇ રહ્યા છે. વરસાદ અટકી જવા છતાં અનેક વિસ્તારમાં આવા પાણી ઘુસી રહ્યા છે. જેનાથી લોકો હજુ પરેશાન છે.
રાજકોટમાં કાયમ ભુગર્ભ ગટર છલકાવાની અને મેન હોલ લીક થવાની ફરિયાદો લોકોને સૌથી વધુ ત્રાસ આપનારી અને આંકડાની દ્રષ્ટિએ ટોપ પર રહેતી હોય છે. આ શાખાની 3307 ફરિયાદો કોલ સેન્ટરમાં 6 દિવસમાં આવી છે. તેમાં મેન લાઇન ઓવરફ્લો થવાની 1875, લાઇન ચોકઅપ થવાની 1002, ગંદો કચરો ગટર બહાર રોડ પરથી નહીં ઉપાડવાની 164, મેન હોલ છલકાવાની 146 ફરિયાદો સામેલ છે. મેન હોલની નુકશાનની 37, કુંડી રીપેર કરવાની 46, પાઇપ લાઇન ભાંગ્યાની 10, મેન હોલ લેવલ કરવા અંગેની 11 ફરિયાદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 10 જગ્યાએ વોંકળા સફાઇની માંગણી પણ આવી હતી.
ભારે વરસાદ અને તોફાની પવનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થવાની ફરિયાદો ચાલુ રહી હતી. તે સાથે મહાપાલિકાની સ્ટ્રીટ લાઇટ પણ મોટી સંખ્યામાં બંધ થઇ હોય, રોશની શાખાને લગતી 752 ફરિયાદો આવી હતી. તેમાં લાઇટ બંધ થવાની 387, પુરા વિસ્તારમાં એલઇડી બંધ હોવાની 310, લાઇટને નુકશાનની 35, શોર્ટ સર્કીટની 11, લાઇટ ચાલુ જ રહેવાની 9 ફરિયાદ સામેલ છે. સફાઇ તંત્રને લગતી 172 જેટલી ફરિયાદ પણ આ દિવસોમાં આવી હતી. કચરો લઇ ન જવાની 45, સફાઇ નહીં થયાની 25, ટીપરવાન નહીં આવ્યાની 46, ખુલ્લા પ્લોટમાં ગંદકીની 9 ફરિયાદો નાગરિકોએ કરી હતી. પાણી પુરવઠો મોટા ભાગે યથાવત જ રહ્યો હતો. છતાં ભારે વરસાદના આ 6 દિવસમાં વોટર વર્કસની નોંધાયેલી 115 ફરિયાદમાં દુષિત પાણીની 34, લાઇન લીકેજની 23, પાણી નહીં મળ્યાની 31, ધીમા ફોર્સની 12 ફરિયાદો આવી હતી. ચાલુ વરસાદે ડાયરેક્ટ પમ્પીંગની 3, ગેરકાયદે કનેકશનની 2 ફરિયાદ આવી હતી. ભારે વરસાદ અને પવને શહેરમાં સેંકડો વૃક્ષોનો સોથ વાળી દીધો છે. ગાર્ડન શાખાને લગતી કુલ 493 ફરિયાદો આવી હતી. તેમાં 342 ફરિયાદ વૃક્ષો પડી ગયાની હતી. અનેક વૃક્ષ મુળમાંથી ઉખડી ગયા છે. તો ડાળીઓ પડવા સહિતની અન્ય 151 ફરિયાદો તંત્રમાં લોકોએ નોંધાવી હતી.
બાંધકામ શાખાને લગતી 194 ફરિયાદો આવી હતી. તેમાં ખાડા પડવા ઉપરાંત રસ્તા પર વરસાદી પાણી ભરાવાની 66, ખાડા, રોડ લેવલ જેવી 84, રસ્તા પર પાણી વહેવાની 19 ફરિયાદો તંત્રના ચોપડે નોંધાઇ હતી. ચોમાસામાં પણ ટીપી શાખાની 17 ફરિયાદો આવી હતી. જેમાં રોડ પર બાંધકામની 3, ગેરકાયદે બાંધકામની 3 ફરિયાદો સામેલ છે. આ રીતે 6 દિવસમાં કોર્પો.ની લગભગ મોટા ભાગની સેવાઓ પ્રભાવિત થયાનું રેકર્ડ પર નોંધાયું હતું. મૃત પશુ ઉપાડવા 27 કોલ આવ્યા હતા.