Aravalli: જિલ્લામાં દૂધ અને છાસની ગ્રાહકોને અછત વર્તાઈ !

સાબરડેરીના સત્તાધીશો સામે પશુપાલકોનો રોષ ભભુકી ઉઠયો છે. જેના કારણે દૂધનું કલેક્શન ખોરવાઈ જતા અને દૂધનું પરિવહન કરતા ટેન્કરોના પૈડા થંભી જતાં ગુરુવારે ત્રીજા દિવસે અરવલ્લી જિલ્લામાં અમુલ દૂધની અછત વર્તાઈ હતી. સવાર સવારમાં ગુરુવારે દૂધ વિના જિલ્લાવાસીઓની ચા બગડી હતી. હોલસેલ અને છુટકમાં અમુલ દૂધનું વેચાણ કરતાં વિક્રેતાઓમાંથી અમુલ દૂધના પાઉચ પહોંચ્યા ન હોવાની ફરિયાદો ઉઠી હતી. બાળકોએ દૂધ વિના સ્કૂલોમાં જવાની ફરજ પડી હતી. દૂધના પાર્લરો પર દૂધના ખાલી કેરેટો જોવા મળ્યા હતા.
બંન્ને જિલ્લાની સંખ્યાબંધ દૂધ મંડળીઓમાં દૂધનું કલેક્શન ઠપ થતાં તેની અસર આજે ત્રીજા દિવસે ગુરુવારે બજારોમાં વર્તાઈ હતી. અમુલ દૂધનું હોલસેલ અને છુટક વેચાણ કરતાં વિક્રેતાઓના જણાવ્યા પ્રમાણે દૂધના તેમજ છાસ સહિતની દૂધની અન્ય બનાવટોના ઓર્ડર આપવા છતાં આજે જથ્થો પહોંચ્યો ન હતો. તેમના કહેવા પ્રમાણે અમુલ દૂધના અને છાસના પાઉચ સહિતની દૂધની બનાવટો લઈને આવતી ગાડીઓ પશુપાલકોના રોષનો ભોગ બનવાની શક્યતાઓના પગલે કોઈ આર્થિક જોખમ પોતાના માથે લેવા માગતુ નથી. જેથી ગાડીઓનું પરિવહન ઠપ જેવું છે. જેના પગલે અરવલ્લી જિલ્લામાં આજે સવારે સંખ્યાબંધ સ્થળોએ પાર્લરો પર દૂધ પહોંચી શક્યું ન હતુ. જેથી સવાર સવારમાં દૂધ વિના લોકોની ચા બગડી હતી. સ્કૂલે જતાં બાળકોને દૂધ વિના રવાના કરવાની ગૃહિણીઓને ફરજ પડી હતી. બંન્ને જિલ્લાને અડીને આવેલા અન્ય જિલ્લાઓમાંથી મોટા ડિસ્ટ્રીબ્યુટરોએ દૂધની વ્યવસ્થા કરાવવાની ફરજ પડી હતી. બીજી તરફ લોકલ બ્રાન્ડના દૂધનું વેચાણ વધ્યું હતુ. જેના પગલે આવી લોકલ બ્રાન્ડના વેપારીઓને તડાકો પડી ગયો હતો. છુટક દૂધ વેચતા પશુપાલકોને ત્યાંથી પણ દૂધનો ઉપાડ આજે વધ્યો હતો. પશુપાલકોનો રોષ ન શમે તો આગામી સમયમાં મુશ્કેલીઓ વધશે તેવું વિક્રેતાઓેએ જણાવ્યું હતુ. સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકો અને દૂધ ઉત્પાદકોનો આક્રોશ અને વિરોધ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. સ્થાનિક સુત્રો મુજબ બાયડ તાલુકાના તેનપુર ગામના ભરતભાઈ પટેલ, દિપકભાઈ પટેલ હિંમતનગર સાબર ડેરી ખાતે હાજર હતા. દરમિયાનમાં ગુરુવારે દૂધ મંડળી ખાતે મહિલા પશુપાલકો એકઠી થઈ હતી. મહિલા પશુ પાલકોએ સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી હતી.