Gujarat: શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલે રાજીનામા અંગે કહ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીના ખરાબ પરિણામની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. હાઈકમાન્ડને મારું રાજીનામું મોકલ્યું છે. નવી વરણી ના થાય ત્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ પદનો કાર્યભાર શૈલેષ પરમાર સંભાળશે.
કાર્યભાર ધારાસભ્ય શૈલેષ પરમાર સંભાળશે
શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, કાર્યકર્તા બનીને પાર્ટીનું કામ કરતો રહીશ. પેટા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક છે. મેં હાઈકમાન્ડને મારૂ રાજીનામું મોકલી આપ્યું છે. જ્યાં સુધી પ્રદેશ પ્રમુખની નવી નિમણૂંક ના થાય ત્યાં સુધી કાર્યભાર ધારાસભ્ય શૈલેષ પરમાર સંભાળશે. જિલ્લાના કાર્યકર્તાઓના મત આધારે જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ માટે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું છે.
પેટા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમા દર ત્રણ મહિને જિલ્લા અને શહેરોના પ્રમુખોની કામગીરીનો રિવ્યૂ કરાશે. પ્રમુખોની કામગીરી અંગે કાર્યકર્તાઓના સૂચન લેવામાં આવશે.લોક પ્રશ્નો માટે કોંગ્રેસ કામ કરે તે માટે પ્રદેશ કાર્યાલયે વોર રૂમ બનાવવામાં આવ્યો છે. ગુજરાતમાં પેટા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક છે. ખરાબ પરિણામની જવાબદારી સ્વીકારીને રાજીનામું દિલ્હી હાઇકમાન્ડને મોકલ્યું છે.કાર્યકર્તા બનીને પાર્ટીનું કામ કરતો રહીશ.
પક્ષના પ્રવક્તા અમિત નાયક સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસની શિસ્ત કમિટી દ્વારા પક્ષના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેમને સસ્પેન્ડ કરવા અંગે કોંગ્રેસ દ્વારા કહેવાયું છે કે, અમિત નાયકે સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધી પોસ્ટ મુકી હતી. તેમણે એટ્રોસિટી અંતર્ગત ગુનો બને તેવા શબ્દો વાપર્યા હતાં. આ ઉપરાંત પૈસાના તોડ માટેની ટેલિફોનિક વાતચીત બદલ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.