Kachchh: 10 કેન્દ્ર પર 1,450 કર્મચારીઓ મતગણતરીની કામગીરીમાં જોતરાશે

22 જૂને કચ્છમાં 118 ગ્રામપંચાયતોમાં સામાન્ય અને 11 ગ્રામપંચાયતમાં પેટા ચૂંટણી મળી ૧૨૯ ગ્રામપંચાયતમાં ચૂંટણીને લઇને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે આવતીકાલે તા. ૨૫ જૂને ભુજ સહિત તમામ તાલુકા મથકોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિવિધ તાલુકાઓમાં મળીને કુલ ૧,૪૫૦ જેટલા કર્મચારીઓ મતગણતરીની કામગીરીમાં જોતરાશે. મતગણતરી સાથે જ સરપંચ પદ માટેનાં ૨૯૨ અને વોર્ડના સભ્ય માટેનાં ૧,૩૬૪ મળી કુલ ૧,૬૫૬ ઉમેદવારોના ભાવિ ઉપરથી પડદો ઉંચકાશે.
સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે
તંત્ર દ્વારા સરપંચ તેમજ વોર્ડના સભ્યો માટે અલગ અલગ કાઉન્ટિંગ ટેબલો ગોઠવવામાં આવશે. આ સિવાય ઉમેદવારોને બેસવાની જગ્યા તેમજ ગણતરી સમયે હાજર રહેનારા લોકોને પાસ આપવા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. એટલું જ નહીં પ્રત્યેક રાઉન્ડ ટુ રાઉન્ડમાં મળેલા મતોની જાણકારી પણ માઈક દ્વારા સ્થળ ઉપર આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે ૮ કલાકથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે. કુલ ૧૧૮ ગ્રામપંચાયતમાં ૨,૧૬,૫૧૨ મતદારોમાંથી ૧,૬૫,૨૬૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ૭૬.૩૩ ટકા મતદાન થયું હતું.
૧,૭૬,૧૫૮ મતોની ગણતરી મન્યુઅલી રીતે કરવામાં આવશે
જ્યારે ૧૧ ગ્રામપંચાયતની પેટા ચૂંટણીમાં કુલ ૧૭,૩૩૫ મતદારોમાંથી ૧૦,૮૯૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં ૬૨.૮૫ ટકા મતદાન નોંધાવા પામ્યું હતું. આ જોતા દસેદસ તાલુકામાં કુલ ૧,૭૬,૧૫૮ મતોની ગણતરી મન્યુઅલી રીતે કરવામાં આવશે. કારણ કે, આ વખતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું હોવાને કારણે સ્વાભાવિક પણે જ મત ગણતરીમાં થોડો સમય વધુ લાગશે. પરિણામે વિવિધ ગામોમાં વિજેતા ઉમેદવારોનાં વિજય સરઘસ સંભવતઃ સાંજ બાદ જ નીકળે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં. વિજય સરઘસ વખતે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવાશે.
નોંધનીય છે કે, આવતીકાલે તા. ૨૫ જૂને વિવિધ તાલુકા મથકોએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમાં ભુજ ખાતે આર.આર. લાલન કોલેજમાં, લખપતમાં મોડેલ સ્કૂલનાં સંસ્કૃતિ હોલમાં, અંજાર ખાતે કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં, મુન્દ્રામાં આર.ડી. સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં, માંડવી ખાતે સરકારી વિજ્ઞાન કોલેજનાં પ્રથમ માળે, નખત્રાણામાં ટી.ડી.વેલાણી કન્યા હાઇસ્કૂલમાં, રાપરમાં મોડેલ સ્કૂલ ખાતે, અબડાસામાં નલિયા મામલતદાર કચેરીનાં પ્રથમ માળે અને ભચાઉમાં વોંધની આઇ.ટી.આઇ.માં મતગણતરી કરવામાં આવશે. જેને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન કરી લેવામાં આવી છે.