Gujarat news: ગોપાલ ઈટાલિયામાં ત્રેવડ હોય તો બોટાદ આવે, AAPમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય ઉમેશ મકવાણાની ચેલેન્જ

ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ જામી હતી. આજે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતાં. વિધાનસભા પાસે શક્તિ પ્રદર્શન કરી ગોપાલ ઈટાલિયા આવે તેની રાહ જોઈ હતી. ત્યાર બાદ તેઓ રાજીનામું આપ્યા વિના જ રવાના થઈ ગયા હતાં. આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ઝંપલાવ્યું હતું. આ લડાઈમાં કોંગ્રેસના નેતા પણ કૂદી પડ્યા હતાં.
ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે, ભાજપ અને આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે. આ લોકોના મુદ્દાઓ ભટકાવવાનો પ્રયાસ છે. તેમણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપતાં કહ્યું હતું કે, તેમનામાં ત્રેવડ હોય તો બોટાદ આવે અને અહીં થયેલુ કામ જુએ. તેમનામાં ત્રેવડ હોય તો બોટાદના કામ સાથે સરખામણી કરે. કામની ચેલેન્જ સ્વીકારવાની હોય રાજીનામાની નહીં.
પ્રાથમિક સુવિધાના કોઇ કામ બોટાદમાં નથી થયા: કોંગ્રેસ
ઉમેશ મકવાણાએ આપેલા નિવેદન બાદ કોંગ્રેસના નેતા આ લડાઈમાં કૂદયા હતાં. કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યું હતું કે, પ્રાથમિક સુવિધાના કોઇ કામ બોટાદમાં નથી થયા. પોલ્યુશન અને ટ્રાફિક માટે ધારાસભ્યએ કંઈ કર્યું નથી. સોસાયટીઓમાં નલ સે જલ યોજનાનું પાણી નથી પહોંચ્યું. ભાજપે આપેલા વચનો આજદિન સુધી પૂરા નથી થયા.બોટાદની પ્રજા સાથે ઉમેશ મકવાણાએ દ્રોહ કર્યો છે. બોટાદની સરકારી હોસ્પિટલમાં બોર્ડ સિવિલ નું પણ કામ રેફરલ હોસ્પિટલનું થાય છે.